નર્મદા કેનાલમાં તિરાડોના કારણે પાણી ઓવરફ્લો થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પાકને નુકસાન થવાના બનાવો પણ સામે આવતા રહે છે. આથી સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાંથી પસાર થતી સૌની યોજનાની પાણીની પાઈપલાઈન ફાટતા લાખો લીટર પાણી વહી ગયું હતું. પાણી એટલા જોરથી આવી રહ્યું હતું કે ફુવારો 20 ફૂટ ઊંચો થઈ રહ્યો હતો.
સૌની યોજનાની આ પાઈપલાઈન તૂટી જવાના કારણે આસપાસના ખેતરોને શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિનો સામનો કરવો પડતો હતો. પાઈપલાઈનમાંથી ખેતરોમાં પાણી ભરાતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વડોદથી નાગડકા જતી સૌની યોજનાની પાણીની પાઈપલાઈન મંગળવારે ચોકડી ગામ પાસે તૂટી ગઈ હતી. પાણીનો જોર એટલો જોરદાર હતો કે થોડીવારમાં દસ જેટલા ખેતરો જળબંબાકાર બની ગયા.
ખેતરમાં પાણી ભરાઈ ગયું ત્યારે એવું નજારો જોવા મળતું હતું જાણે નદી વહેતી હોય. દસ જેટલા ખેતરોમાં ખેડૂતોના જીરૂ અને ઘઉં સહિતના પાકોને નુકસાન થયું છે. વડોદથી નાગડકા સુધીની પાણીની લાઇનમાં લીકેજના કારણે પાણી એટલુ ઝડપથી વહી રહ્યું હતું કે તેની નજીક જવાની કોઈ હિંમત કરતું ન હતું. લીકેજ અંગે સરકારી તંત્રને જાણ કરાતા પાણી પુરવઠો બંધ કરાયો હતો.