ખેડૂતોના અકસ્માતે મોત પર ગુજરાત સરકાર આપશે બે લાખની સહાય

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બુધવારે બપોરે ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કેસમાં મળતી સહાય બમણી કરવાની જાહેરાત કરી હતી. આકસ્મિક મૃત્યુ પામનાર ખેડૂતને હવે એક લાખના બદલે બે લાખની સહાય અને ગંભીર ઇજાગ્રસ્ત ખેડૂતને 50 હજારમાંથી બમણા કરીને એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જયારે, મહત્વપૂર્ણ બાબતમાં અત્યાર સુધીમાં માત્ર ખેડૂત ખાતેદારને જ આ વળતરનો લાભ આપવામાં આવતો હતો. પરંતું, હવે તેના બદલે ખેડૂત ખાતેદારના વારસદાર હોય તેવા પતિ-પત્ની અને દીકરા-દીકરીને પણ આ અકસ્માત સહાયનો લાભ આપવામાં આવશે. તાજેતરમાં ફક્ત બે દિવસ માટે મળેલા વિધાનસભાના સત્રમાં પણ મુખ્યમંત્રીથી લઇ ધારાસભ્યો અને વિપક્ષના નેતા, અધ્યક્ષ-ઉપાધ્યક્ષ સહિતને પગાર વધારાનો લાભ આપી તેને સર્વાનુમત્તે ગૃહમાં પસાર પણ કરી દેવામાં આવ્યું હતું. તમામ ધારાસભ્યોના પગાર વધારા એરિયર્સ સાથે રાતો રાત વધારી દેવામાં આવ્યા હતા. ત્યારે, રાજ્યમાં કફોડી હાલતમાં જીવતાં અનેક ગરીબ ખેડૂતો માટે વિધાનસભા સત્રના બીજા દિવસે રાજ્ય સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી. પરંતું, સરકારનું વળતર મેળવવા શું ખેડૂતોએ મરી જવું પડે ? દેવાના ડૂંગર તળે ધરબાયેલા કફોડી હાલતમાં જીવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે કોઇ યોજના કે સહાય આપવાનું ટાળ્યું છે. ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં રાતોરાત જંગી વધારો કરનાર રાજ્ય સરકારે હવે જીવતા નહિ પરંતુ અકસ્માતમાં મૃત્યું પામનાર ખેડૂતોને ડબલ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં ધરખમ વધારો આપનાર રાજ્ય સરકારે ખેડૂત જો અકસ્માતમાં મરી જાય તો જ લાભ આપવાની જાહેરાત કરી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે પત્રકારો સમક્ષ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અગાઉની સરકારો ધ્વારા ખેડૂતોને અકસ્માતમાં ૫૦ હજાર તેમજ ઇજાઓમાં માત્ર ૨૫ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. ત્યારબાદ ભાજપ સરકાર ધ્વારા આ રકમ વધારી અકસ્માત મૃત્યુમાં રૂપિયા ૧ લાખ અને ઇજાઓમાં રૂપિયા ૫૦ હજાર કર્યા હતા. જેમાં માત્ર ૭/૧૨ ઉતારામાં નામ હોય તેવા ખેડૂત ખાતેદારોને જ આ લાભ મળતો હતો. જયારે ખેડૂત આગેવાનો, ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ ધ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ માંગણી સ્વીકારીને અકસ્માત મૃત્યુ સહાય બમણી કરી રૂપિયા ૨ લાખ કરવામાં આવ્યા છે. જયારે ગંભીર ઈજાની સહાયમાં રૂપિયા ૧ લાખ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ધ્વારા હવે ૭/૧૨ ઉતારામાં નામ હોય તેવા ખેડૂત ખાતેદારો સહીત તેમના વારસદાર હોય તેવા પતિ-પત્ની તેમજ દીકરા-દીકરીઓને પણ આ અકસ્માત સહાયનો લાભ મળશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે કુલ 1.76 કરોડ જેટલા ખેડૂત ખાતેદારો નોંધાયેલા છે. જેમાંથી ૭૩.૨૫ લાખ ખેડૂત ખાતેદારોને આ સહાય મળતી હતી. તે હવે નવા નિર્ણયના કારણે તમામ ખેડૂતોને આ અકસ્માત સહાયનો લાભ મળશે. જેમાં અત્યાર સુધી સરકાર દ્વારા ખેડૂતોને અકસ્માત સહાય માટે રૂપિયા ૩૦થી ૩૫ કરોડ પ્રીમીયમ ભરવામાં આવતું હતું. તેના બદલે આ નવી જાહેરાતથી હવે રાજ્ય સરકાર ધ્વારા રૂપિયા ૭૦થી ૮૦ કરોડ જેટલું પ્રીમીયમ ભરવામાં આવશે. આ અકસ્માત મૃત્યુ સહાય કે અકસ્માત સહાયમાં વળતરનો લાભ દર વર્ષે ૧૫૦૦ જેટલા ખેડૂતોને મળે છે. ક્રાંતિ સંગઠનના આરટીઆઇ એક્ટિવિસ્ટ ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન અકસ્માત મૃ્ત્યુના કેસમાં 4 લાખ સુધી વળતર ચુકવવામાં આવ્યું હતું. જ્યારે, હવે વળતર વધારવાના બદલે ઘટાડવામાં આવ્યું છે. ફસલ વીમા યોજના દ્વારા પ્રિમીયમ ભરેલ હોય છતાં ખેડૂતોને પુરતું વળતર ચુકવી શકતી નથી. અત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓ વરસાદથી વંચિત છે ત્યાં, દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વિશેષ સહાયની જરૂર છે. પરંતું, તે પણ જાહેર કરવામાં આવતી નથી. ત્યારે, હવે સરકાર ખેડૂતોની મજાક કરતી હોય તેમ મર્યા પછીની સહાયની જાહેરાત કરી રહી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com