જમીન અને મિલકત નોંધણી પ્રક્રિયામાં ફેરફાર, મુસ્લિમ સગીર સંપત્તિ માટે કાયદેસર નિયમ લાગુ
Gujarat Muslim minor property registration rule: ગુજરાત રાજ્ય સરકારે જમીન અને મિલકત સંબંધિત દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને કાયદેસરતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યના રજિસ્ટ્રાર નિરીક્ષક વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ હવે મુસ્લિમ સમુદાયના સગીર (18 વર્ષથી ઓછી ઉંમર) વ્યક્તિના નામે આવેલી કોઈપણ મિલકતના વેચાણ, ગીરવે રાખવા કે તબદિલી સંબંધિત દસ્તાવેજોની નોંધણી માટે કોર્ટની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે.
મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર, સગીર વ્યક્તિની સંપત્તિનું હસ્તાંતરણ કે વેચાણ કરવા માટે કોર્ટની મંજૂરી જરૂરી ગણાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યની વિવિધ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં આ નિયમનું પૂરું પાલન ન થતું હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. અનેક કિસ્સાઓમાં વાલીઓ અથવા એજન્ટોએ કોર્ટની મંજૂરી લીધા વગર સગીરના નામે રહેલી મિલકતના વેચાણ કે ગીરો સંબંધિત દસ્તાવેજો નોંધાવ્યા હોવાના ઉદાહરણો સામે આવ્યા હતા.

આ પ્રકારની ગેરરીતિઓને રોકવા માટે સરકારે આ સ્પષ્ટ પરિપત્ર જાહેર કર્યો છે. તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો કોઈ દસ્તાવેજ સગીરના વાલીત્વ હેઠળ નોંધણી માટે આવે અને સાથે કોર્ટની મંજૂરીનો પુરાવો જોડાયેલો ન હોય, તો તેવા દસ્તાવેજોની નોંધણી કોઈ પણ પરિસ્થિતિમાં ન થાય. વિભાગે વધુમાં જણાવ્યું છે કે આ પગલાનો હેતુ સગીર વ્યક્તિઓના કાયદેસર અને આર્થિક હિતોને સુરક્ષિત રાખવાનો છે, જેથી કોઈપણ વ્યક્તિ તેમની સંપત્તિનો દુરુપયોગ ન કરી શકે.
હવે રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓને દસ્તાવેજ નોંધણી સમયે ઉંમર, વાલીત્વ અને કોર્ટ મંજૂરીના પુરાવાની ચકાસણી ફરજિયાત રીતે કરવી પડશે. જો આ નિયમનું પાલન ન થાય તો સંબંધિત અધિકારી સામે શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરિપત્રમાં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો દસ્તાવેજ નોંધાવનાર વ્યક્તિ 18 વર્ષથી વધુ ઉંમરનો અને હિંદુ ઉત્તરાધિકારી કાયદા, 1956 હેઠળ ન આવતો હોય, તો કોર્ટની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. એટલે કે આ નિયમ ખાસ કરીને મુસ્લિમ સગીરો માટે લાગુ પડે છે.

સરકારના અધિકારીઓનું માનવું છે કે આ નિર્ણયથી હવે મુસ્લિમ સગીરોની મિલકતોની નોંધણી પ્રક્રિયા વધુ કાયદેસર અને સુરક્ષિત બનશે. સાથે સાથે રાજ્યમાં જમીન-મિલકતના વ્યવહારોમાં પારદર્શિતા વધશે અને ભવિષ્યમાં કાનૂની વિવાદો ઓછા થશે. પરિપત્ર બહાર પડ્યા બાદ રાજ્યભરના તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓને તરત જ સૂચના પાઠવી દેવામાં આવી છે કે તેઓ આ નવી જોગવાઈઓનું કડક પાલન કરે. વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની બેદરકારી અથવા નિયમના ઉલ્લંઘનને ગંભીરતાથી લેવામાં આવશે.

