સ્વચ્છતા બાબતમાં ગુજરાત ટોપ ટેનથી બહાર

દેશમાં સૌથી સ્વચ્છ શહેરો ક્યાં તેના સર્વેક્ષણનું પરિણામ અંતે રહી રહીને જાહેર થયું છે જેમાં ગુજરાતના કોઈ શહેરોના ટોપ-૧૦માં નંબર નથી આવ્યા તો એક સમયે નં.૭ પર, ગત વર્ષે નં.૧૮ પર રહેલું રાજકોટ શહેર હવે ૩૫માં ક્રમે ધકેલાઈ ગયું છે. મનપાએ સ્પર્ધક શહેરોની સંખ્યા વધીને ૪૦૦૦ પહોંચી જતા આ ક્રમ પાછળ ધકેલાયાનો સંતોષ લીધો છે પણ વાસ્તવિકતા એ છે કે શહેરના રોડ, ડિવાઈડરો, પ્લોટ, વોકળા વગેરે જોતા પણ આમ લોકોને પણ શહેર સૌથી હરિયાળુ-સ્વચ્છ હોવાનો અહેસાસ થતો નથી. આ અંગે મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીનો સંપર્ક સાધતા જણાવ્યું કે તમામ નાના-મોટા શહેરોની યાદી જોઈએ તો અમદાવાદ ૧૨માં, સુરત ૧૪માં, ગાંધીનગર ૨૬માં ક્રમે છે અને વડોદરા પાછળ ધકેલાયું છે અને રાજકોટનો એ રીતે ૩૫મો ક્રમ છે પરંતુ, ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરો કે જ્યાં સફાઈનું કામ વધુ પડકારરૂપ હોય છે તેવા શહેરોની યાદીમાં અમદાવાદ,સુરત ક્રમ નં.૯, ૧૦ પર અને રાજકોટ ૧૯માં ક્રમે આવેલ છે. રાજકોટનો ક્રમ પાછળ ધકેલાઈ જવા પાછળ શહેરમાં વર્ષોથી સોલીડ વેસ્ટના રિસાયકલીંગનો બંધ પડેલો પ્લાન્ટ (જે હજુ શરુ નથી થયો), પ્લાસ્ટિક પ્રદુષણ રોકવા નક્કર પ્રયાસોનો અભાવ (તાજેતરમાં પાઉચ વગેરે પ્રતિબંધ મુકાયા, જો કે તે સમગ્ર શહેરમાં નથી અને ચૂસ્ત અમલ નથી, પ્લાસ્ટિક કોથળીનું દેખીતંચ પ્રદુષણ, વેસ્ટમાંથી એનર્જીનું ઉત્પાદન નહીં, કન્સ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટના વોકળા-પ્લોટથી માંડીને ઠેરઠેર થતા ઢગલા (હજુ આ વેસ્ટના રિસાયકલીંગ માટે મનપાએ હવે ટેન્ડર બહાર પાડયા છે) વગેરે મુદ્દે મનપાના માર્ક કપાયાનું તંત્ર માને છે. દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવેલા ઈન્દોરને કૂલ ૪૦૦૦માંથી ૩૭૦૭ માર્ક્સ મળ્યા છે, મહત્વનું એ છે કે સ્વચ્છતા એપમાં પાછળના નંબર કરતા ઈન્દોરને ઓછા પણ સર્વિસ લેવલમાં પ્રગતિ અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનમાં નોંધપાત્ર માર્ક્સ મળ્યા છે. આ એવોર્ડમાં સ્વચ્છતા એપના ભલે ૧૪૦૦ માર્ક્સ હોય પણ આમ નાગરિકોની દ્રષ્ટિએ પણ રાજકોટ સ્વચ્છ જણાતું નથી. ઈન્દોરના માર્ગો પર નજર નાંખતા લીલાછમ્મ, સ્વચ્છ સર્કલો, ડિવાઈડરો નજરે પડે છે ત્યારે રાજકોટના એકમાત્ર ગૌરવપથ કાલાવડ રોડ પર ડિવાઈડરો પર મનપાની ખોરાં ટોપરાં જેવી નીતિના રોજ દર્શન થાયછે, જ્યાં વૃક્ષો તો દૂર, છોડ પણ નથી વાવ્યા અને તેના બદલે કિયોસ્ક બોર્ડ મુકી દીધા છે તો કોટેચાચોકમાં હરિયાળીની જરૂર ત્યાં સ્ટીલનું ફાયટર પ્લેન મુકી દેવાયું છે. શહેરના અન્ય ડિવાઈડરો પણ સુકા છે, અંદર વૃક્ષોને બદલે કચરો નજરે પડે છે, ખુલ્લા પ્લોટની હાલત સર્વવિદિત છે, વોકળામાં હજુ કચરાના ગંજ છે. જો આ સ્થિતિ સુધરે તો લોકો રાજકોટ હરિયાળુ અને સ્વચ્છહોવાનો અહેસાસ કરીને મનપાની પીઠ થાબડી શકે છે. રાજકોટના ક્લીન-ગ્રીન બનાવવા થોકબંધ આયોજનો,મીટીંગો થઈ ગઈ છે અને આ આયોજનો, આદેશો, હૂકમો, પરિપત્રો, સૂચનાઓનું નક્કર પાલન કરવાનું જ બાકી છે. જો કે, રાજકોટનો સ્વચ્છતા રેન્કિંગમાં દેશના ટોપ ૨૦ શહેરમાં સમાવેશ ન થતા મનપાના અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાયા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com