પેસિફિકમાં ચક્રવાતો સક્રિય, ગુજરાત પર વાદળો અને માવઠાની શક્યતા વધી
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં અચાનક વધારો અનુભવાઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોરે ગરમાવો સ્પષ્ટ જણાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાના પવનો ફૂંકાતા રાજ્યનું વાતાવરણ શુષ્ક બન્યું છે. આવતા સાત દિવસ દરમિયાન ગુજરાતના કોઈપણ વિસ્તારમાં વરસાદની શક્યતા નથી. આ વચ્ચે દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં તાપમાન વધુ ઝડપથી ઘટશે અને કડકડતી ઠંડીનો અનુભવ થશે એવી આગાહી પણ કરવામાં આવી છે.
અમરેલી સૌથી ઠંડુ, અમદાવાદ-સુરતમાં પારો ધીમેથી ધીમે ઘટ્યો
અમદાવાદ કેન્દ્ર હવામાન વિભાગના આંકડા મુજબ ગુરુવારે રાજ્યમાં અમરેલી સૌથી ઠંડું શહેર બન્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું. ગાંધીનગર, કેશોદ, મહુવા અને રાજકોટમાં પણ પારો 15 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. અમદાવાદ અને વડોદરામાં 16 ડિગ્રી જ્યારે સુરતમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ તાપમાન હાલ થોડું નીચે જઈ રહ્યું છે, પરંતુ આ ફેરફાર લાંબો સમય ટકી રહે એવી શક્યતા નથી.

19 નવેમ્બર બાદ વાદળછાયુ આકાશ અને તાપમાનમાં ઉછાળો: અશોક દેસાઈ
નિવૃત્ત હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ અનુમાન વ્યક્ત કર્યું છે કે 19 નવેમ્બર બાદ તાપમાનમાં ફરી એકવાર ફેરફાર આવશે. પેસિફિક મહાસાગરમાં સર્જાયેલા કાલમેગી અને ફુંગ વોંગ ચક્રવાતોની અસર બંગાળની ખાડી તથા અરબ સાગર સુધી પહોંચી શકે છે. આ કારણે ગુજરાતના આકાશમાં વાદળો વધશે અને છૂટાછવાયા છાંટા પડી શકે છે. તેમ છતાં ભારે વરસાદની સંભાવના હવે ખૂબ ઓછી છે. દેસાઈ મુજબ વાદળો વધતા તાપમાન ફરી 22 થી 24 ડિગ્રી સુધી જવાનું શરૂ થઈ જશે.
અંબાલાલ પટેલની ચેતવણી: 16થી 24 નવેમ્બર વચ્ચે પલટાઓની શ્રેણી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 16 થી 18 નવેમ્બર દરમિયાન એક નવું ચક્રવાત સર્જાશે, જેની અસર ગુજરાત પર પણ પડી શકે છે. 18 થી 24 નવેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું જોવા મળી શકે છે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની શક્યતા છે, જેનાથી વાતાવરણમાં અચાનક પલટો આવશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ડિસેમ્બર મધ્ય સુધી કમોસમી વરસાદની શક્યતા રહેશે, જ્યારે ડિસેમ્બર 20 પછી ઉત્તરીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને જાન્યુઆરીમાં કડક ઠંડી અનુભવાશે.

ડિસેમ્બર-જાન્યુઆરીમાં કાતિલ ઠંડી અને માવઠું: આગાહીએ વધારી સાવચેતી
નિષ્ણાતોના જણાવ્યા મુજબ 16 ડિસેમ્બર સુધી માવઠાની શક્યતા યથાવત રહેશે. ઉત્તર દિશાના પવનોની ગતિ વધતા 22 ડિસેમ્બર પછી હાડકંપાવતી ઠંડીનું આગમન થશે. 11 જાન્યુઆરીથી ફરી ઠંડા પવનોની અસર વધશે અને ઉત્તરાયણ પછી પણ ઠંડીનું જોર યથાવત રહી શકે છે. રાજ્યમાં તાપમાનના સતત બદલાવને લઈને હવામાન વિભાગે નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે.

