Bharuch: જંબુસર-આમોદ રોડ પર ભયાનક અકસ્માત: 6નાં કરુણ મોત, 4 હોસ્પિટલમાં સારવાર હેઠળ
- મૃતકોમાં 2 મહિલા, 2 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય
- 4 ઘાયલ લોકોને જંબુસરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ભરૂચ , મંગળવાર
Bharuch: ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ માર્ગ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો. મૃતકોમાં 2 મહિલા, 2 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. આ સાથે અન્ય 4 ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Bharuch: અકસ્માત શુકલતીર્થ ખાતે મેળા માટે જતા વેડચ અને પાંચકડા ગામના સગા-સંબંધીઓ સાથે બન્યો હતો. મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે ઈકો કાર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, કારમાં સવાર 10માંથી 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા જ્યારે 4 ઘાયલ છે.
ઘટનાની તાત્કાલિક કામગીરી
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને અસરગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી. જંબુસર પોલીસ સ્ટાફ સાથે પીઆઈ એ.વી. પાનમિયા ઘટના સ્થળે પહોંચ્યા અને રાહત કામગીરી શરૂ કરી.
જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ટોળા ઉમટ્યા
ઘટનાની માહિતી મળતા જ રેફરલ હોસ્પિટલમાં સ્થાનિક લોકો અને સંબંધીઓના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માતથી મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.