BJP Gujarat: જે નેતા પહેરે ભાજપનો ખેસ, અનેક ગુનાઓ છતાં તેને ન પહોંચે કોઈ ઠેસ
અમદાવાદ
BJP Gujarat: સત્તાધારી ભાજપના અનેક નેતાઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવા છતાં પક્ષની છત્રછાયામાં તેઓને કાયદાનો કોઈ ડર જોવા મળતો નથી તેથી જ હજુ પણ ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો પણ ગુનો કરતા ખચકાતા ન હોવાનું જોવા મળે છે. એમ તો નેતાઓને ગુનાઓ સાથે વર્ષો જૂનો નાતો છે પણ છેલ્લા કેટલાક દાયકાઓથી આ પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.
2018માં સર્વોચ્ચે અદાલતે રાજકારણમાં ક્રિમિનલ રેકોર્ડ્સવાળા ઉમેદવારો ન આવે તે માટે કેટલાક આદેશ કર્યા હતાં પણ છતાં સ્થિતિમાં કોઈ સુદારો જોવા મળ્યો નથી. ગુજરાતની વાત કરીએ તો બારેક વર્ષ પહેલાં ઈલેક્શન વોચે રાજ્ય વિધાસભામાં જીતેલા કેટલાક ઉમેદવારો સામે દુષ્કર્મ સહિતના ગંભીર ગુના હોઈ તેમને ચૂંટણી ન લડાવવા તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી જોકે, શહેરાના ભાજપના તત્કાલિન ધારાસભ્ય જેઠા ભરવાડ સામે પણ દુષ્કર્મ જેવા ગંભીર ગુના નોંદાયા હતા.
BJP Gujarat: એક દાયકાથી વધુ સમય વિતવા છતાં આ બાબતે સત્તાધારી ભાજપના નેતાઓ અને કાર્યકરોની ગુનાખોરીનો ચાર્ટ નીચે જવાને બદલે ચિંતાજનક સ્તરે ઊંચો જઈ રહ્યો છે. કમનસીબી એ છે કે આવા નેતાઓ રાજકીય વગના જોરે કાયદાના સકંજામાં આવતા નથી અને આવે છે તો પણ આસાનીથી છૂટી જાય છે.
એક તરફ, ભાજપ બળાત્કારના વિરોધમાં ગુજરાત સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન કરે છે
જ્યારે બીજી તરફ, ખુદ ભાજપના નેતાઓની દુષ્કર્મના કેસના સંડોવણીના કિસ્સા પ્રકાશમાં આવે છે, ત્યારે ભાજપના પ્રદેશ-કેન્દ્રીય નેતાઓ મૌન ધારણ કરી લે છે. ડ્રગ્સની હેરાફેરી હોય કે પછી દુષ્કર્મ પ્રકરણ હોય. અનેક કિસ્સામાં ભાજપના નેતા-કાર્યકરોની જ સંડોવણી સામે આવી છે.
ચાણસ્મામાં સગીરા પર દુષ્કર્મમાં ભાજપના નેતાની સંડોવણી
મહેસાણા જિલ્લાના ચાણસ્મા વિસ્તારમાં પણ બન્યો છે. જેમાં એક સગીરા ઉપર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટનામાં મહેસાણા જીલ્લા ભાજપના યુવા મોરચાના નેતાની સંડોવણી બહાર આવી છે. એટલું જ નહીં, ભુવાની પૂછપરછના આધારે ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે.
વડોદરામાં ભાજપના કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર આકાશ ભગવાનભાઇ ગોહિલ વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાજપનો આ કાર્યકર્તા ચૂંટણી દરમિયાન ભાજપના આગેવાનો સાથે સક્રિય હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે.
જસદણ કન્યા છાત્રાલય દુષ્કર્મ કેસમાં ભાજપના નેતાની સંડોવણી
જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટનામાં ભાજપના નેતાનું નામ સામે આવ્યું હતું. આ મામલે આરોપી પરેશ રાદડિયાની ધરપકડ કરવામાં આવી હતી. આટકોટ શિક્ષણ સંકુલમાં શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. વિદ્યાર્થિનીએ છાત્રાલય આટકોટનાં ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામનાં પૂર્વ સરપંચ મધુ ટાઢાણી વીરનગર ગામનાં જિલ્લા પંચાયતનાં સદસ્યનાં પતિ અને આટકોટ કન્યા છાત્રાલયનાં ટ્રસ્ટી પરેશ રાદડિયા સહિત કુલ 4 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મધુ ટાઢાણીની પોલીસે પહેલા જ ધરપકડ કરી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામા આવ્યો હતો.
2017માં વિધાનસભાની ચૂંટણીમાં કુલ 101 ઉમેદવારોનો ગુનાઈત ઈતિહાસ
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2017ની ચૂંટણી પૂર્વે ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા કરાયેલા વિશ્લેષણમાં બીજા તબક્કાની ચૂંટણીના 822 પૈકીના 101 ઉમેદવારોએ પોતાના ગુનાઈત ઇતિહાસ રજૂ કર્યા હતા. ગુનાઈત ઇતિહાસ ધરાવતા આ ઉમેદવારોમાં 64 જેટલા ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા હતા, એમાં ખૂનની કોશિષ, અપહરણ, મહિલાઓ પર અત્યાચાર સાથેના કેટલાક ગુનાનો સમાવેશ થતો હતો.
2017માં એડીઆરની યાદીમાં ભાજપના 86 ઉમેદવાર સામે ગુના નોંધાયેલા હતા
ગંભીર ગુનામાં ભાવેશ કટારા ઝાલોદ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ(નિકોલ) , કિરીટ ચીમનલાલ પટેલ (પાટણ), શૈલેષ મહેતા (ડભોઇ), ભરતસિંહ વખાલા દેવગઢબારિયા, બાબી અબ્દુલરહેમાન (મહેસાણા), ઠાકોર લેંબુજી ભુદરજી (કાંકરેજ), ભોરણીયા સોયબભાઇ (સિદ્ધપુર), મહેશ ભૂરીયા, જેઠા ભરવાડ (શહેરા), ભૂષણ ભટ્ટ (ખાડિયા), શહજાદ તેજાબવાલા (ખાડીયા) સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા હતા. એડીઆરની યાદીમાં ભાજપના 86. કોંગ્રેસના 88, બસપાના 74, એનસીપીના 27, આપના 7, અપક્ષ 14 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલ હતા.