Deesa Fire Tragedy: ડીસા અગ્નિકાંડ: રોષ શમાવવા સરકારનું ફરી ‘SIT’ નાટક, નિર્દોષો માટે માત્ર સહાનુભૂતિનાં આંસુ
Deesa Fire Tragedy : બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ગેરકાયદે ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો. આ દુર્ઘટનાએ ગુજરાતમાં ઉદ્યોગ-સુરક્ષાને લઈને સરકારની ઘોર નિષ્ક્રિયતાને ફરી એકવાર બિનકાબિલ સાબિત કરી છે. આ અગાઉ રાજકોટ અને સુરતમાં પણ આગના કાંડોમાં નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા, છતાં સરકાર અને તંત્રએ કોઈ અસરકારક પગલાં લીધા નથી. રોષ શમાવવા માટે રાજ્ય સરકારે ફક્ત ‘SIT’ રચવાનો નાટક કર્યો છે.
સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને આડકતરી ન્યાયની રમત
ગુજરાતમાં ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાં ફાયર સેફ્ટી નાબૂદ છે. ગેરકાયદે ધંધાઓ થઈ રહ્યા છે, ગરીબ શ્રમિકો માટે કોઇ સુરક્ષા વ્યવસ્થા નથી, અને સરકાર ફક્ત સહાય જાહેર કરીને કાને તેલ પુરીને બેસી રહે છે. ડીસા અગ્નિકાંડ પછી પણ પરિચિત દ્રશ્ય પુનરાવૃત્ત થયું—સરકારે મૃતક શ્રમિકોના પરિવાર માટે ફક્ત ₹4 લાખની સહાય જાહેર કરી અને ફટાકડા ફેક્ટરીના ગેરકાયદેસર સંચાલન માટે જવાબદાર અધિકારીઓ પર ચુપ્પી સાધી.
SIT—સત્ય બહાર લાવવાના બહાને દોષરોપણનું નાટક
આ અગાઉ સુરતના તક્ષશિલા આગકાંડ અને રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં SIT રચાઈ હતી, પણ અત્યાર સુધી કોઈ અધિકારીને સજા નહીં થઈ. હવે ડીસા અગ્નિકાંડમાં ફરી SITનું નાટક ખેલાઈ રહ્યું છે. ખરેખર, SIT માત્ર ફેક્ટરી માલિકને દોષી ઠેરવીને મામલો સમાપ્ત કરવા માટે રચવામાં આવી છે, જ્યારે સત્તાવાળાઓ અને લાપરવાહ તંત્ર છૂટા ફરી રહ્યા છે.
આખરે ‘બૂલડોઝર ન્યાય’ ક્યારે લાગુ પડશે?
સામાન્ય નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, 21 શ્રમિકોના મોત માટે જવાબદાર ફેક્ટરી માલિકો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે કે નહીં? અન્યાય ભોગવતા પરિવારો આજે પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે. જો કોઈ ગરીબ પરિવાર ગેરકાયદે ઝૂંપડપટ્ટી ઊભી કરે તો તંત્ર તાત્કાલિક બૂલડોઝર દોડી આવે, પણ 21 શ્રમિકોના જીવ લેનાર ફેક્ટરી માલિકો પર તે ક્યારે ફેરવાશે?
આગ દુર્ઘટનાના જવાબદારને સજા નહીં મળે, ત્યાં સુધી “SIT” ફક્ત એક નાટક જ રહેશે!