Firecracker factory inspection: ડીસા અગ્નિકાંડ બાદ એક્શન મોડમાં પોલીસ: 100થી વધુ ફટાકડા યુનિટમાં સરપ્રાઈઝ ચેકિંગ, LCB-SOGની ટીમ સક્રિય
Firecracker factory inspection: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી ભીષણ આગ અને 21 મોત પછી ગુજરાતભરમાં સતર્કતા વધી ગઈ છે. આ ઘટનાના પડઘા ગાંધીનગર, દિલ્હી અને અમદાવાદ સુધી પડ્યા છે, જેના કારણે પોલીસે 100થી વધુ ફટાકડા મેન્યુફેકચરિંગ યુનિટ પર અચાનક ચેકિંગ હાથ ધર્યું છે.
અમદાવાદ જિલ્લામાં વ્યાપક તપાસ
અમદાવાદ જિલ્લાના અસલાલી, કણભા અને વિવેકાનંદનગર સહિતના વિસ્તારોમાં ફટાકડા બનાવતી ફેક્ટરીઓ અને ગોડાઉનોમાં પોલીસે તપાસ શરૂ કરી છે. જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) અને SOG ટીમો પણ આ ચેકિંગમાં જોડાઈ હતી. પોલીસ અધિકારીઓએ તમામ યુનિટ્સમાં લાઈસન્સ, ફાયર સેફ્ટી અને અન્ય જરૂરી મંજુરીઓની કડક ચકાસણી કરી.
ફટાકડા ઉદ્યોગ માટે મિની કાશી ગણાતા વાંછ ગામમાં સઘન તપાસ
વાંછ ગામ, જેને ફટાકડાના ઉત્પાદન માટે મિની કાશી ગણવામાં આવે છે, ત્યાં પણ પોલીસએ મોટી તપાસ હાથ ધરી. અહીં વર્ષોથી ફટાકડાનું ઉત્પાદન ચાલતું હોવાથી, સુરક્ષાના ધોરણો કડક કરવામાં આવ્યા છે. અમદાવાદ ACP ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે 100થી વધુ ગોડાઉન અને ફેક્ટરીઓમાં તપાસ કરવામાં આવી છે.
વડોદરામાં પણ ચકાસણી શરૂ
વડોદરામાં 20 માર્ચે સયાજી માર્કેટની બે દુકાનમાં આગ લાગ્યા બાદ, પોલીસે સુરક્ષા સુવિધા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનાઓ નોંધાયા છે અને કેટલીક દુકાનોને સીલ કરવામાં આવી છે.
સુરતમાં 44 ફટાકડા દુકાનો અને ગોડાઉન પર ચેકિંગ
સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. રાંદેરના રામનગર સહિત શહેરની દરેક ફટાકડા દુકાનો અને ગોડાઉન પર તપાસ હાથ ધરાઈ છે. જો કોઈ ગોડાઉન કે દુકાનમાં અનિયમિતતા જોવા મળશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને લાઈસન્સ પણ રદ થવાની સંભાવના છે.
આ સમગ્ર કામગીરી ફટાકડા ઉદ્યોગમાં સુરક્ષા નિયમો લાગુ કરવા માટે હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા ભયાનક બનાવો ન બને.