- પત્રકારત્વ અને અદાણીને કોઈ લેવાદેવા નથી,
- અદાણીને તો આમદાની વધારવા માટે સમાચાર સત્તાની જરૂર છે
- જે ન માને તેને ખરીદી લો, ન ખરીદાય તો ખતમ કરોની નીતિ સત્તાની રહી છે
દિલીપ પટેલ
અમદાવાદ, 16 ઓગસ્ટ 2024
Gautam Adani: સમાચાર એકત્ર કરવા, લખવું, સંપાદિત અને પ્રકાશિત કરવા તેને પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખેલું સાહિત્ય પણ કહેવાય છે.
Gautam Adani ઈસુની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિયસ સીઝરે દૈનિક ઘટનાઓ હસ્તલિખિત સમાચાર બુલેટિન રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાવવા આદેશ આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો હતો. ત્યારથી સત્તાના સમ્રાટ અને પૈસાના સમ્રાટોને પત્રકારોને પોતાના ખિસ્સામાં રાખવાની ચળ છે. જેમાં મોદી અને અદાણીએ ભારતમાં સત્ય સમાચારોને હિંદ મહાસાગરમાં ફેંકી દીધા છે. તેઓ ઈચ્છે તે જ સમાચારો બના રહ્યાં છે.
મહાસત્તાઓને પોતાનો પ્રોપોગેંડા એટલે કે,રાજકીય નેતા, પક્ષ, પૈસા વગેરે માટે સમર્થન મેળવવા માટે વપરાય છે.
ખોટી અથવા અતિશયોક્તિ પૂર્ણ માહિતી અને અભિપ્રાય; પ્રચાર, ખોટી માહિતી રજૂ કરીને લોકોને ભ્રમમાં રખાય છે. આવું જ ગુજરાતની આ બન્ને તાકાતો કરી રહી છે. જેમ હિટલર દ્વારા જર્મની કર્યું હતું, તેમ હાલ હિન્દુસ્તાનમાં થઈ રહ્યું છે.
પ્રોપોગેંડા ફેલાવવા માટે હવે અદાણી અને તેના રાજકીય મિત્રો સમાચારપત્રો, ટેલિવિઝન, ડિજિટલ માધ્યમો અને સમાચાર એજન્સીઓ ખરીદી રહ્યા છે. જેમાં ભારતની એક સમયની મોટી તાકાત ગણાતી હતી તે યુનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા (યુએનઆઈ) એજન્સી એક છે. સમાચાર મોકલવા માટેનું એકમાત્ર સાધન ટેલી પ્રિન્ટર હતું તે જમાનામાં યુએનઆઈનો જમાનો હતો.
સમાચારનું અર્થઘટન, સમાચારની સમીક્ષા, સમાચારના અન્વેષણને સવિશેષ મહત્ત્વ અપાતાં પત્રકારત્વ ઉચ્ચ કોટિનો વ્યવસાય ગણાયો છે. પણ તેમાં ઉદ્યોગપતિઓ પોતાનો નફો ગણે છે. નફો પૈસાનો નહીં પણ તાકાતનો. સત્તાધીશોને કાબુમાં રાખવાની સત્તા ઉદ્યોગપતિઓ વધારી રહ્યા છે. જેમાં અદાણી કેમ બાકાત રહી શકે? અદાણીને અને સંનિષ્ઠ પત્રકારત્વ વચ્ચે, મુંદરા અને થરાદ જેટલું અંતર છે.
પત્રકારત્વ હવે માહિતી વિસ્ફોટના યુગમાં પ્રવેશ્યું છે. પહેલેથી જ પત્રકારત્વ કોઈનો ઈજારો રહ્યો નથી. હવે તો સોશિયલ મિડિયાના યુગમાં તો પત્રકારત્વનો નવો યુગ મધ્યાહને છે.
યુરોપમાં રાજાશાહી પછી લોકશાહી આવી એટલે પત્રકારત્વ શાસનાભિમુખ મટી પ્રજાભિમુખ અને શાસનનું આલોચક પણ બન્યું. ભારતમાં પણ આઝાદી વખતે પત્રકારત્વ ખીલ્યું હતું. પત્રકારત્વની આ શક્તિના કારણે શાસકોએ તેને એક યા બીજા રૂપે અંકુશિત કર્યા કર્યું છે.
રાજકીય સ્વતંત્રતા પોતે વિચાર, વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય વિના સંપૂર્ણ ગણાતી નથી તેથી પત્રકારત્વની સ્વતંત્રતા અનિવાર્ય બની. પણ મૂડી પતિઓ અને રાજ પતિઓને તે પસંદ નથી.
યુએનઆઈ
ફેબ્રુઆરી 2024માં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)ની ઈજારાશાહીને ખતમ કરવા માટે છ દાયકા પહેલાં રચાયેલી યુનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા (યુએનઆઈ) એજન્સીની હરાજીની પ્રક્રિયા થઈ હતી. ત્યારે તેની માલિકી ગૌતમ અદાણીના સંબંધી રાકેશ રમણલાલ શાહ પાસે જવાની શક્યતા હતી. વરિષ્ઠ પત્રકાર એમજે અકબર પણ ખરીદવા માંગતા હતા.
યુએનઆઈની બિડમાં ભાગ લેનાર પાંચ લોકોમાં બ્રેઈન ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, સ્ટેટ્સમેન અખબાર, ચોથી દુનિયાના પૂર્વ સંપાદક રાકેશ રમણલાલ શાહ, સંતોષ ભરતિયા અને કોલકાતા સ્થિત કંપની ફોર સ્ક્વેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતા.
એમજે અકબર બ્રેઈન ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે હતા. ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશનના સીએમડી રાકેશ રમણલાલ શાહ પણ હતા. ગુજરાત સરકારની માલિકીની આ કંપની નરેન્દ્ર મોદીની સરકારે અદાણી સાથે જોડાયેલા લોકોને વેચી દીધી હતી. રમણલાલ શાહના લગ્ન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની બહેન સાથે થયા છે.
શાહ આ બીડ જીતશે એવું માનવામાં આવતું રહ્યું હતું. તેની સાથે NDTV અને IANS ન્યૂઝ એજન્સી પછી UNI એ ત્રીજું ન્યૂઝ પ્લેટફોર્મ હશે.
નાદાર
નિર્ણય કોર્ટે કરવાનો હતો. કારણ કે, યુએનઆઈ ખોટમાં ચાલી રહી હતી અને વર્ષ 2023થી નાદાર જાહેર કરવામાં આવી હતી. કોર્ટે રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો. હવે તેમની દેખરેખ હેઠળ કંપની ચાલે છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ બિડીંગ પ્રક્રિયા શરૂ થઈ હતી.
પડતી
14 ભાષામાં તેના સમાચાર વિશ્વભરના સમાચાર માધ્યમોને આપવામાં આવતા હતા.
2006 પછી શેરધારકો સહિત યુએનઆઈના સબ્સ્ક્રાઇબર્સ એક પછી એક અનસબ્સ્ક્રાઇબ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2017 થી તેણે તેના કર્મચારીઓને પગાર આપવાનો પણ બંધ કરી દીધો હતો. સંકટના સમયમાં, UNIના સૌથી મોટા અને વિશ્વાસપાત્ર સરકારી ગ્રાહક પ્રસાર ભારતીએ પણ ઓક્ટોબર 2020માં તેની સેવાઓ લેવાનું બંધ કરી દીધું હતું. સરકારી બ્રોડકાસ્ટર પ્રસાર ભારતી દર મહિને યુએનઆઈને 57 લાખ રૂપિયા ચૂકવતી હતી.
100 કરોડનું દેવું
એપ્રિલ 2023 માં, યુએનઆઈ કર્મચારી સંઘે તેના લેણાં વસૂલવા માટે NCLTમાં કેસ દાખલ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓના 103 કરોડ રૂપિયા બાકી હતા. જેમાં વર્તમાન કર્મચારીઓનો પગાર, ગ્રેચ્યુઇટી અને ભૂતપૂર્વ કર્મચારીઓના ભવિષ્ય નિધિનો સમાવેશ થાય છે.
આવી એજન્સી દ્વારા વિશ્વમાં સમાચારોને પ્રસારિત કરવાની તાકાત ઉદ્યોગપતિઓ અને સત્તાધીશો જોતા રહ્યાં છે. પોતાના બચાવ માટે, પોતાની પ્રસિદ્ધિ માટે અને દુશ્મનોને ખતમ કરવા માટે સમાચાર એજન્સીઓનો મોટી ભૂમિકા રહી છે. અદાણી પણ ઈચ્છતા હતા કે યુએનઆઈ તેના ગજવામાં આવી જાય. (ક્રમશઃ)