GST Evasion: મોરબીથી વલસાડ સુધી ટાઈલ્સ લઈને બેફામ દોડતી ટ્રકો દ્વારા મોટાપાયા પર GSTની ચોરી, અધિકારીઓની સીધી સાંઠગાંઠ
GST Evasion: જીએસટી ચોરી કરવામાં કૌભાંડીઓ દ્વારા અનેક પ્રકારના નુસ્ખા અજમાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અધિકારીઓની સીધી સાંઠગાંઠ હોવાની ચાડી ખાતી આ બાબતમાં સરકારની તિજોરીને લાખો નહીં પણ કરોડો રુપિયાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. વલસાડ ખાતેના કરચોરી કૌભાંડમાં અનેક મોટા માથાઓની સંડોવણીની શક્યતા નકારી શકાતી નથી.
GST Evasion સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ મોરબી સિરામીક ટાઈલ્સ બનાવવાનું મોટું સ્થળ છે. ટાઈલ્સની સમગ્ર દેશમાં ડિલીવરી કરવામાં આવે છે. આ માટે ટ્રકો મારફત મોટાભાગનું કામ થાય છે. આવામાં વલસાડ ખાતે જીએસટીની ચોરી કરવા સપ્લાયરો અને વેપારીઓ છટકબારીનો ઉપયોગ કરી ટ્રકોને વલસાડ ખાતે હેરફેર કરીને કરોડો રુપિયાની જીએસટી ચોરી કરી રહ્યા હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રો મુજબ કરોડોના બોગસ જીએસટી બિલિંગ બનાવવામાં આવી રહ્યા છે.
જીએસટી અધિકારીઓ દ્વારા બિલો, બેંક ખાતા, કમ્પ્યુટરના ડેટા સહિતની તપાસ હાથ ધરવામાં આવે તો કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
અત્રે નોંઘવાનું રહે છે કે કેટલાક મહિનાઓ પહેલાં જીએસટી વિભાગે સિરામીક ટાઈલ્સની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા અને દરોડોનો રેલો જકોટ, મોરબી, રાજસ્થાન, અમદાવાદ, અજમેર, ધાંગ્રધા સુધી રેલાયો હતો અને માસ્ટર માઈન્ડની અજમેરથી ધરપકડ કરવામાં આવી હતી.
આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હોવાની આશંકા છે કે ટાઇલ્સ ભરેલી ટ્રકો મોકલવામાં આવે છે અને બોગસ ટ્રાન્સપોર્ટ બિલો બનાવી જીએસટીની મોટાપાયા પર ચોરી કરવામાં આવે છે. ટ્રાન્સપોર્ટમાં ડિલિવરી માટેના ઇ-વે બિલ જનરેટ કરી આપતા હોવાની પણ શંકા છે અને સમગ્ર વાત પર ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો હોવાની ભીંતી સેવવામાં આવી રહી છે.મહત્વની વાત એ છે કે છડેચોક થઈ રહેલી જીએસટીની ચોરી અંગે અધિકારીઓ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે અથવા તો ટ્રાન્સ્પોર્ટરો સાથે તેમની સીધી સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે