Gujarat Lok Sabha Election: ગુજરાતમાં ભાજપનું કટુંબ લાક્ષાગૃહ બની ગયું છે. ગુજરાતમાં ભાજપે સત્તાના સૂત્રો હાંસલ કર્યા અઢી દાયકામાં પહેલી વાર છેક દિલ્હીથી જાહેર થયેલા લોકસભાના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. આવી ઘટનાઓ કોંગ્રેસમાં સાવ સામાન્ય છે પરંતુ ભાજપમાં પહેલી વાર આંતરવિરોધને પગલે સ્થિતિ સર્જાતા હવે હાઈકામાન્ડ અને ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને શોધવાનો વારો આવ્યો છે.
એક સપ્તાહથી સાબરકાંઠામાં ડામોર કે ઠાકોરનાં પત્રિકાકાંડ અને સાંસદ રંજન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ભરચક પોસ્ટકાંડનો વિવાદ હતો. તેવામાં શનિવારે સવારે રંજન ભટ્ટ અને પછી સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા એટલે કે ટ્વિટર, ફેસબૂક વ્હોટ્સએપ સ્ટેટ પર વ્યક્તિગત કારણોસર લોકસભા ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવું છું એવું જાહેર કરતાં આ વિવાદનો અંત આવ્યો છે.
સાબરકાઠામાં ભાજપે સાંસદ દિપસિંહ રાઠોડની ટિકિટ કાપીને અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. બાદમાં ભીખાજીએ આઠેક મહિના અગાઉ એફિડેવિટ કરીને પોતાની અટક ડામોરમાંથી બદલીને ઠાકોર કર્યાનું બહાર આવ્યું હતું એટલું જ નહીં તેમના પરિવારજનો અનુસૂચિત જનજાતિ-એસટી બેઠક પરથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી લડ્યાની માહિતી બહાર આવતા બૃહદ સાંબરકાંઠા જિલ્લામાં ભીખાજીના સમાજને સવાલો ઉઠ્યા હતા. આ અંગેની જાણ દિલ્હી સ્થિત હાઈકમાન્ડ થતાં અગાઉ જાહેર થયેલા આ ઉમેદવારને ચૂંટણી લડવા અનિચ્છા જાહેર કરવાની ફરજ પડી હતી.
શનિવારે સવારે તેમણે આ માહિતી સોશિયલ મીડિયામાં જાહેર કરતા અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય પર સમાજના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો.વડોદરામાં સાંસદ રંજન ભટ્ટને ત્રીજીટર્મ માટે ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કરતા ભડકો થયો હતો. વડોદરા ભાજપમાંથી તેમની સામે વિરોધ ઉભો થયો હતો. ગત સપ્તાહે જ્યોતિ પંડ્યાએ જાહેરમાં ભટ્ટ રિપિટેશન મળતા ભ્રષ્ટાચારના આરોપો કરતાં ભાજપે જ્યોતિ પંડ્યાને તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં સાવલીના ધારસભ્ય કેતન ઈનામદારે પણ રાજીનામું આપવાનું ત્રાગું કરતા વડોદરામાં રંજન ભટ્ટના સમર્થનમાં ચાલતો ખેલ હાઈકમાન્ડ સમક્ષ ખૂલ્લો પડી ગયો હતો. ભારે વિરોધ થવાના કારણે રંજન ભટ્ટે પરાણ પરાણે ચૂંટણી લડવા માટે ઈન્કાર કરવાની જાહેરાત કરવી પડી છે.