Gujarat: ગુજરાતમાં ચાર સિંહ સફારી પાર્ક થયા, બીજા 8 બનાવવા દરખાસ્ત કરાઈ
બરડાના સફારી પાર્કમાં સિંહોના મોત કેમ થઈ જાય છે
દિલીપ પટેલ
અમદાવાદ, 29 ઓક્ટોબર 2024
બરડા જંગલ સિંહ સફારીમાં હવે સિંહ જોવા મળે છે. ગુજરાતનું ચોથું સિંહ સફારી પાર્ક 17 ઓક્ટોબર 2024થી શરૂ થયું છે. ભાણવડ નજીકના કપુરડી નેશના નાકેથી એટલે કે જ્યાંથી કિલેશ્વર જવા માટે પ્રવાસીઓ જંગલમાં પ્રવેશે ત્યાંથી બરડા જંગલ સફારી શરૂ થાય છે. કપુરડીથી ચારણ આઈ બેરિયરથી થઈ અજમાપાટ અને ભુખબરા નેશ સુધી 27 કિ.મી.નો બરડા સફારીનો માર્ગ છે. 29મી ઓક્ટોબરથી શરૂ થયો છે.
જીવસૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી વાતાવરણ બરડા જંગલ સફારીમાં છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લામાં બરડો ડુંગર ફેલાયેલો છે.
એવી ટીકા થઈ રહી છે કે, વન પ્રધાન મુળુ બેરાના મત વિસ્તાર ભાણવડથી સફારી પાર્કની શરૂઆત ખોટી રીતે કરાઈ છે. ખરેખર પોરબંદરથી તેની શરૂઆત થવી જોઈતી હતી.
ગીરમાંથી લાવીને 1 નર અને 5 માદા, 2 પાઠડા લાવવામાં આવ્યા છે. અહીં અગાઉ 6 સિંહ હતા. અત્યારે કેટલાં છે તે અંગે વન વિભાગ મૌન છે. અહીં સિંહોના મોત થઈ જતાં હોવાની ઘટનાઓ બની છે.
એશિયાટિક લાયન્સને નિહાળવાનું વધુ એક સ્થળ બની ગયું છે. 40 સિંહો રહી શકે તેટલી ક્ષમતા છે. એક નર, 5 માંદા અને 2 સિંહ બાળને સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે. વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બરડા અભ્યારણ્યને સંભવિત સાઈટ તરીકે આ અગાઉ જાહેર કરી હતી. 5 કિ મી ના વિસ્તારમાં સિંહ દર્શન સાસણ પેટર્ન પર સવાર સાંજ થાય છે.
પ્રાકૃતિક સુંદરતા, કિલેશ્વરની કીલગંગા નદીના રમણીય દ્રશ્યો, પહાડી અને ડુંગરાળ ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓના કુદરતી નિવાસસ્થાનથી જોવાની નજીક જોવાની તક મળશે. ચોક્કસ પ્રકારની જીપ્સીની સુવિધા બરડા જંગલ સફારીના રૂટ ઉપર જવા માટે 6 મુસાફરો ધરાવતી વનવિભાગની ખુલ્લી જીપ્સી છે. ગાઇડ છે.
ગુજરાતમાં 674 સિંહો છે. વર્ષ 1879માં સિંહોનું એક ટોળું બરડા અભયારણ્યમાં જોવા મળ્યું હતું. 143 વર્ષ પછી, 19 જાન્યુઆરી, 2023ના રોજ એક નર એશીયાઇ સિંહે કુદરતી રીતે બરડા વન્યપ્રાણી અભયારણ્યમાં પોતાના આવાસસ્થાન તરીકે વસવાટ કર્યો છે, જે એક ઐતિહાસિક ઘટના કહી શકાય.
બરડા વન્યજીવ અભયારણ્યમાં 368 વનસ્પતિ પ્રજાતિ છે. જેમાં 59 વૃક્ષો, 83 છોડ, 200 ક્ષુપ અને 26 વેલાઓની પ્રજાતિ છે. ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ 54 ટકા છે. ત્યારબાદ 23 ટકા છોડ, વૃક્ષો 16 ટકા અને વેલાઓ 9 ટકા છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિ છે.
લગભગ 14 દાયકા પછી જંગલના વિસ્તાર ફરી એક વખત સિંહ આવી ગયા છે.
અભયારણ્યમાં 22 સસ્તન પ્રાણીની જાત, સિંહ, દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી, સસલા, હરણ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી ભૂંડ છે.
પક્ષીઓની 269 પ્રજાતિ, જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો છે.
રૂ. 2800 ફી
પરમીટ ફી રૂપિયા 400, ગાઈડ ફી રૂપિયા 400 તેમજ જીપ્સી ફી રૂપિયા 2000, પરમીટ ટિકિટ બુકિંગ કાઉન્ટર ખાતેથી મળે છે. અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓ 215 ચોરસ કિમી છે. જેમાં 192.31 ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ સંરક્ષિત છે.
પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા શહેરોમાં પહોંચી શકાય છે. ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટથી 170 કિ.મી. અને અમદાવાદ 430 કિ.મી. થાય છે.
અભયારણ્યથી ભાણવડ અને પોરબંદર રેલવે મથકે ઉતરીને જઈ શકાય છે. પોરબંદરથી 40 કિ.મી., ભાણવડ 7 કિલો મીટર અને જામનગર 82 કિ.મી. છે. રાજકોટ એરપોર્ટ 190 કિ.મી. છે.
સવારે 6 કલાકથી સાંજે 4 વાગે સુધી મુલાકાત લઈ શકે છે. દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહે છે.
નજીકમાં નવલખા મંદિર, મોડપર કિલ્લો, જાંબુવન ગુફા, સુદામા, કીર્તિ, પ્રસિદ્ધ નાગેશ્વર તેમજ દ્વારકાધીશ મંદિર જેવા વિશ્વ પ્રખ્યાત સ્થળો આવેલા છે. વધુ વિગતો માટે પોરબંદર વન વિભાગની કચેરીના 0286-2242551 ઉપર સંપર્ક કરી શકાય છે.
99 કરોડનો પ્રોજેક્ટ
વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રૂપિયા 99 કરોડની ગ્રાન્ટ સાથેનો પ્રોજેક્ટ મૂક્યો હતો, જેમાં બરડા ડુંગરમાં સિંહો માટે નવું ઘર, આ આખા પ્રોજેક્ટની NTCA સંસ્થા હેઠળ દેખરેખ, સિંહોને રેડીયો કોલર, બરડા ડુંગરના માલધારીનું અન્યત્ર સ્થળાંતર વગેરેની દરખાસ્તો હતી. આ સિવાય રખડતા કુતરા અને પશુઓના રસીકરણ, સીડીવી અને અન્ય રોગો માટે પરીક્ષણ કરવું અને અન્ય વન્ય પ્રાણીઓના નમૂનાઓ એકત્રિત કરવાની વાત હતી.
સિંહોના મોત
ગીરમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ (સીડીવી)થી 45 જેટલા સિંહનો મોત થયા બાદ નવું ઘર બનાવવું જરૂરી હતું. સિંહોની પ્રજાતિને બચાવવા જુનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરના જંગલમાં બે સિંહ બેલડીને લાવવામાં આવ્યા હતા. બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. એ-વન નામના નરસિંહ તથા સરિતા નામની માદા સિંહણનું સફળ મેટીંગ થયું હતું. સરિતાએ 1 એપ્રિલ 2019માં 2 બચ્ચાને જન્મ આપ્યો હતો. બંને બચ્ચા તથા સરિતા તંદુરસ્ત હતા. સાતવિરડા ખાતે બે નર એ-વન તથા નાગરાજા, બે માદા સરિતા તથા પાર્વતી તથા તાજા જન્મેલા બે બચ્ચા એમ કુલ છ ,સિંહ હતા.
સરિતા નામની સિંહણે 1લી એપ્રિલે બે બચ્ચાને જન્મ આપ્યો હતો એ બન્નેનું 3 એપ્રિલ 2019માં ખુદ તેની માતાના કારણે જ મોત નિપજયું હતું. તાજા જન્મેલા સિંહ બાળોને સિંહણ મોઢામાં લઈ ફેરવતી હોય છે આ બચ્ચાઓને આ રીતે ફેરવતી વખતે વધુ દબાણ અપાઈ જતાં ઇજા થયેલ જોવા મળેલ હતી. સકકરબાગ ખાતે આ બન્ને બાળસિંહના પોસ્ટમોર્ટમ થતાં ગંભીર ઈજાઓ જોવા મળેલ હતી. એક બચ્ચાને છાતીના ભાગે તથા બીજા બચ્ચાને માથા-મગજના ભાગે ઈજા જોવા મળેલી. પ્રથમ વખતના બચ્ચાઓની સંભાળ રાખતી વખતે બિલાડી કુળના પ્રમાણીઓમાં આ પ્રકારની ઘટનાઓ કયારેક બનતી હોય છે. વનવિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા આ બચ્ચાઓને બહારનું દૂધ પીવડાવવામાં આવતું હતું.
ઘાતક બરડો
બરડાના જંગલમાં ભૌગોલિક સ્થિતિ જ એવી નથી કે ત્યાં સિંહ લાંબો સમય જીવી શકે. સાથે સાથે પથરાળ વિસ્તાર હોવાનાં કારણે આવા વિસ્તારમાં સિંહો ચાલી ન શકે અને તેના પગ છોલાઈ જાય તેને કારણે પણ સિંહોને આ વિસ્તારમાં જીવવું દુષ્કર બની જાય.
સિંહ યુનિટ
પોરબંદર પાસે બરડા વન્યજીવન અભયારણ્યમાં પ્રોજેક્ટ લાયન હેઠળ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા 40 સિંહો રાખવા કહ્યું હતું.
લાયન એનીમલ હાઉસ યુનિટ-1 તથા યુનિટ-2 બનાવવામાં આવેલા હતા. જે દરેક યુનિટમાં એનીમલ હાઉસ, ક્રોલ, સર્વિસ શેડ, તથા લોફીંગ ગ્રાઉન્ડ તથા લાયન યુટીલીટી એરીયા બનાવવામાં આવેલા છે. એન્કલોઝરમાં સિંહોને અનુકૂળ આવે તેવી તમામ બાબતોની તજજ્ઞો દ્વારા ચકાસણી કરવામાં આવેલ અને આ વિસ્તાર સિંહો માટે અનુકૂળતા હોવાનું જણાયું છે અને તેથી તેના વસવાટમાં સફળતા મળી છે.
નવા સફારી બનશે
2024માં સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બન્ને સફારી પાર્ક પાછળ કુલ રૂ. 100 કરોડનું ખર્ચ થઈ શકે છે.
ગીરમાં સાસણ, દેવળીયા, બરડા અને ધારી પાસેનું આંબરડી સિંહ સફારી છે. સરકાર આગામી સમયમાં રાજ્યમાં 12 સફારી પાર્ક બનાવવાનું આયોજન છે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ કચ્છ, અમરેલી અને નર્મદા-કેવડિયા જિલ્લામાં નવા સફારી પાર્કને મંજુરી આપ્યા બાદ આગામી સમયમાં અંબાજી, વાસંદા, ગાંધીનગર, જેતપુર પાસે નવા સફારી પાર્ક બની શકે છે.
કચ્છ
પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવ અને કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સંદીપકુમારના મત પ્રમાણે નારાયણ સરોવર પાસે 300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનશે. પ્રવાસન અને સિંહ બ્રીડીંગ સેન્ટર માટેનો પ્રોજેક્ટ છે.
ઉના
દીવ નજીક ઉના એ ગીર જંગલને અડીને આવેલો વિસ્તાર છે. અહીં લાયન સફારી બનશે. ઉના તાલુકાના નલિયા-માંડવી દીવથી 8 કીમી થાય છે. જેની 9 મહિના અગાઉ જાહેરાત થઈ ચૂકી છે.
સર્વોચ્ચ અદાલતની મંજૂરી લેવાશે
બન્ને સફારી પાર્ક જંગલ ખાતાની 400-400 હેકટર જમીન પર બનાવવામાં આવશે. સર્વોચ્ચ અદાલતમાં દરખાસ્ત કરાશે. જંગલની જમીનમાં ઝૂ કે સફારી પાર્ક બનાવવા માટે અદાલતની પરવાનગી અનિવાર્ય છે.
3 સફારી પાર્ક
હાલ જૂનાગઢ અને અમરેલી ગીરમાં બે સફારી પાર્ક છે. સકકરબાગ ઝૂ બ્રિડીંગ, દેવળીયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક છે. રાજકોટ પાસે બ્રિડીંગ સેન્ટર છે. રાજકોટમાં રાંદરડા નર્સરી નજીક 28 હેક્ટરમાં સફારી પાર્ક બની રહ્યો છે.
સફારી પાર્ક
જુનાગઢમાં દેવળિયા સફારી પાર્ક છે. અમરેલીના ધારીથી 7 કિલોમીટર દૂર ગીરના આંબરડીમાં ગુજરાતનો બીજો સફારી પાર્ક 4000 હેક્ટરમાં ફેલાયેલો છે.
રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવના ઝૂની પાસે 28 હેક્ટરમાં રૂ. 30 કરોડના ખર્ચે લાયન સફારી બનાવવા ઝૂ ઓથોરિટીએ અગાઉ મંજુરી રાજકોટ મહાપાલિકાને આપી છે. ફેન્સીંગ વોલના કામો થયા છે. હવે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.
સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં સિંહ બ્રિડીંગ સેન્ટર છે. રાજકોટમાં સિંહોનું ઉછેર કેન્દ્ર (બ્રીડીંગ સેન્ટર) છે. અહીં 50થી વધુ સિંહોનો જન્મ થયો છે. ઝૂમાં 12 સિંહો છે.
ફોક વચન
અમદાવાદમાં લાયન સફારી પાર્ક ઊભું કરવાની જાહેરાત 6 ઓક્ટોબર 2018ના રોજ સરકારે કરી હતી પણ કંઈ ન કર્યું. વાપીમાં વન્ય પ્રાણી સુરક્ષા સપ્તાહ કાર્યક્રમ દરમિયાન રાજ્યના વન પ્રધાન રમણ પાટકરે અમદાવાદમાં સિંહ વસાવવાની જાહેરાત કરી હતી. લોકોને આકર્ષવા માટે સિંહનો ઉપયોગ થઈ રહ્યો છે.
5 વર્ષ પછી 2023માં અમદાવાદમાં ફરી જાહેરાત કરી હતી કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂ.250 કરોડના ખર્ચે 500 એકરમાં ગ્યાસપુર ગામ પાસે ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. ગાઢ જંગલ અને ડિઝાઇન અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની નિમણૂક માટેની ટેન્ડર બહાર પડાયા હતા.
નર્મદા બંધ પાસે કેવડિયામાં મુખ્ય નહેર તરફ 6 કિમી દૂર 100 હેક્ટર વિસ્તારમાં સિંહ અને વાઘ સફારી પાર્ક બનવાના હતા. ZSL લંડન ઝૂમાં જોવા મળતા પ્રદર્શનો જેવા જ પ્રદર્શન બનાવવાના હતા. કેવડિયા જંગલ સફારીમાં પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટીથી 24 કિલોમીટર દૂર 400 હેક્ટર જંગલ ખાતાની જગ્યામાં લાયન પાર્ક બનાવવાની જાહેરાત 2018માં વન પ્રધાન ગણપત વસાવાએ કરી હતી. 2022માં શરૂ કરી દેવાના હતા. કંઈ ન થયું.
વસ્તી
6 વર્ષમાં સિંહોની વસ્તીમાં 30 ટકાનો વધારો થયો છે.
2015માં 511 સિંહ હતા. 2020માં પૂનમ અવલોકનની ગણતરીમાં 674 જેટલા સિંહ હતા. 2022માં 736 સિંહ હતા. 2024 સુધીમાં સિંહોની વસ્તી 850 થવાની સંભાવના છે.
હિજરત
1,412 ચો.કી.મી. ગીર જંગલ છોડીને સિંહ બહાર આવી રહ્યા છે. પોરબંદર, રાજકોટ,ગોંડલ, ચોટીલા સુધી આવી જાય છે. તેથી એશિયાટિક સિંહ સૌરાષ્ટ્રના ગીર જંગલ બહાર અન્ય વિસ્તારોમાં વસાવાઈ રહ્યા છે. 7 જિલ્લામાં સિંહ આવી ગયા છે. ગીર અભયારણ્યની બહાર 400 જેટલા સિંહ હોવાનું અનુમાન છે. ગીરમાં વૃક્ષો વધી જતાં તેઓ બહાર આવે છે. તેથી ભાવનગર પાસે શેત્રુંજી નદીના કાંઠાના કેટલાક ભાગને અભ્યારણ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
મોત
2020-21માં 123, વર્ષ 2020 -22માં 113 અને 22-2023 માં 89 જેટલા સિંહના મૃત્યું થયા હતા.
વાયરસ
ગીરનાં પૂર્વની દલખાણિયા રેન્જમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસનાં કારણે 23 સિંહોનાં મોત નિપજ્યાં હતાં. ત્યારે વન પ્રધાને રાજીનામું આપ્યું ન હતું. સિંહ જોખમમાં આવી પડે તેમ છે.