Gujarat Rain: વરસાદથી ગુજરાતને હજુ નહીં મળે રાહત, IMDનું ભરૂચ અને વલસાડ માટે રેડ એલર્ટ.
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ગંભીર બની છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના કેટલાક ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ ભરૂચ અને વલસાડ જેવા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. 25 ઓગસ્ટથી ચાલુ રહેલા આ વરસાદ અને પૂરે રાજ્યના 25 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 49 લોકોના જીવ લીધા છે અને 55,000 થી વધુ લોકોને વિસ્થાપિત કર્યા છે.
મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 156 મિમી વરસાદ ભરૂચના વાલિયામાં નોંધાયો હતો. આ પછી નેત્રંગમાં 127 મીમી, સુરતના ઉમરપાડામાં 105 મીમી, વલસાડમાં 104 મીમી અને મહેસાણાના જોટાણામાં 95 મીમી વરસાદ નોંધાયો હતો.
IMDએ આગાહી કરી છે કે રાજ્યમાં સપ્તાહના અંત સુધી ભારેથી હળવો વરસાદ ચાલુ રહેશે. રાજ્યના 15,000થી વધુ ગામડાઓ વીજ કાપનો સામનો કરી રહ્યા છે. ચક્રવાત અસનાએ ગુજરાતમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનાવી છે.
ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું કચ્છ, સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકમાં સૌથી વધુ ૬ ઇંચ અને નેત્રંગ તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરતના ઉમરપાડામાં અને વલસાડ તાલુકામાં ૪ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં વલસાડ અને સુરત જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૨ ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
તાલુકાની વાત કરીએ તો, મહેસાણાના જોટાણા, સુરતના પલસાણા અને સુરત, બનાસકાંઠાના દાંતીવાડા, તેમજ વલસાડના વાપી તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, નર્મદાના નાંદોદ, વલસાડના પારદી, ઉમરગામ અને કપરાડા,સુરતના માંગરોળ, માંડવી અને મહુવા, નવસારીના ખેરગામ, કચ્છના રાપર અને તાપીના સોનગઢ તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યના આશરે ૩૦ તાલુકામાં એક ઇંચથી વધુ તેમજ ૧૪૯ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ ૧૯૮ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 4 સપ્ટેમ્બર, 2024ના
રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૮ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૮૨ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૬ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૪ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૯૬ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.