Gujarat: સિદ્ધપુરની સરસ્વતી નદી, બારે માસ પાણીનાં વાંધા, પ્રવાસીઓને આકર્ષવા ઓનલાઈન રજિસ્ટ્રેશન સહિતની સુવિધાના મરાયા સાંધા
Gujarat: સરસ્વતી નદીમાં બારે માસ પાણી રહે તો આપોઆપ અહીં શ્રદ્ધાળુઓ-પ્રવાસી આવતા થઈ જાય
Gujarat: ગુજરાતનું સિધ્ધપુર એ પવિત્ર ભૂમી છે જે ચાર ધામની જાતરા કરો પણ સિધ્ધપુરમાં દર્શન ના કરો તો જાતરા અધુરી મનાય છે. એક તરફ સરકાર દ્વારા સિદ્ધપુરમાં સરસ્વતી નદીના મહાત્મયને જોતા દેશભરમાંથી પ્રવાસીઓને આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સિધ્ધપુરને સરસ્વતી નદીમાં બારે માસ પાણીનાં વાંધા છે. માત્ર કારતક માસમાં પાણી છોડવામાં આવતું હોઈ છે જે જે-તે સમયગાળામાં નદીના નીર જાળવી રાખે છે પણ થોડા સમય બાદ નદી ફરી સુકીભઠ્ઠ થઈ જાય છે. જો પાણી બારે માસ રહે તો સિધ્ધપુરનું મહત્વ વધી જાય એમ છે. સિદ્ધપુરની પવિત્ર કુંવારીકા નદીમાં અર્પણ-તર્પણ અને સમર્પણનું વિશેષ મહત્વ હોવાથી અહીં લાખ્ખો શ્રદ્ધાળુઓ તર્પણ માટે આવે છે પણ નદીમાં પાણીના અભાવે અહીં આવનારા શ્રદ્ધાળુઓ નિરાશ થતા હોય છે. સરકાર નદીને જીવંત કરવા ચોક્ચસ સમયે તેમાં પાણી છોડે છે પરંતુ આ બાબત શ્રદ્ધાળુઓને બારેમાસ આ પવિત્ર સ્થળે ખેંચી લાવવા માટે પુરતી નથી
ત્રણ વર્ષ પહેલાં પાણી ન હોઈ હોબાળો થયો હતો
સિદ્ધપુરમાં દર વર્ષે કુંવારીકા માતા સરસ્વતી નદીમાં ઋષિપંચમીના રોજ ઉત્તર ગુજરાત સહિત દૂરદૂરના ગામોની મહિલાઓ સરસ્વતી નદીની માટીમાંથી સપ્તઋષિની પૂજા કરી ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરે છે. પરંતુ ત્રણેક વર્ષ પહેલાં તો સરસ્વતી નદીમાં પાણી ન હોઈ તેમ જ સરકાર દ્વારા પણ નદીમાં પાણી છોડાયું ન હતું તેથી ગણીગાંઠી મહિલાઓ માત્ર સપ્તઋષિઓની મૂર્તિ બનાવી પૂજા કરી હતી અને આ બાબતને લઈને ભારે હોબાળો થયો હતો.
2023માં ચોમાસામાં નદીમાં પાણી આવ્યું હતું
2023માં ભાદરવા માસની શરુઆતમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ સહિત સિધ્ધપુરનો માધુપાવડિયા ઘાટ પણ ઓવરફ્લો થયો હતો. જેનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવતા સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીમાં નવા નીર આવ્યા હતા. સતત પડેલા વરસાદને કારણે માધુપાવડિયા ઘાટ ખાતે આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો અને સરસ્વતી નદીમાં તેના પાણી રેલાતા સરસ્વતી નદી જીવંત બની હતી. ઘણા વર્ષો પછી સરસ્વતી નદીમાં પાણી આવ્યા હતા. ગત વર્ષે તો નદીમાં પાણી આવતા સ્થાનિક અને આસાપાસના સહેલાણીઓ પણ અહીં ઉમટી પડ્યા હતા.
ધરોઈ ઓવરફ્લો થતાં પાણી છોડાયું હતું
હકીકતમાં તો ધરોઈ ડેમ હાલ સંપૂર્ણ ભરાયેલ હોવાથી ડેમની રૂરલ સપાટી જાળવી રાખવા ધરોઈ ડેમનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું હતું. આ પાણી સિદ્ધપુરના માધુપાવડિયા ઘાટ ખાતે આવેલ ડેમમાં છોડવામાં આવ્યું હતું. ત્રણ દિવસ અવિરત વરસાદને કારણે સિદ્ધપુર શહેરનું પાણી પણ આ ચેકડેમમાં ઠલવાતા ચેકડેમ ઓવર ફ્લો થયો જેના કારણે સરસ્વતી નદીમાં પાણી વહેતું થયું હતું.
નદીમાં પ્રદૂષિત પાણીનું દૂષણ
2019ની વાત કરીએ તો એક બાજુ રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે ચેકડેમ બનાવી ખોરસમ પાઇપ લાઈન દ્વારા સરસ્વતી નદીમાં નર્મદાના નીર ભરવાનો પ્રોજેક્ટ વિકસાવવ્યો હતો, ત્યારે બીજી તરફ તંત્રના પાપે ખુલ્લેઆમ નદીમાં ગટરની ગંદકી ફેલાવાઈ રહી હતી. સિદ્ધપુરની પાસવાદળની પોળ, રુદ્રમહાલયનાં પાછળના ભાગે આવેલ દરવાજે તેમજ ચાટાવાડા ગામેથી ખુલ્લેઆમ ગટરનું પાણી નદીમાં ઠલવાઇ રહ્યું હતું. જેના કારણે સરસ્વતી નદીમાં સ્નાન કરવાની વાત તો દૂર રહી પરંતુ તર્પણ કરવા આવતા શ્રદ્ધાળુઓની પણ લાગણી દુભાઈ રહી હતી.
ગત વર્ષે અંદાજે 47,100 પરિવારના સભ્યોએ માતૃશ્રાદ્ધની પૂજા કરી
ગત વર્ષે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે કારતક, ભાદરવો અને ચૈત્ર તેમજ સમગ્ર વર્ષ દરમિયાન અંદાજિત 47,100 જેટલા પરિવારના સભ્યો દ્વારા માતૃશ્રાદ્ધની વિધિવત પૂજા કરવામાં આવી હતી તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવાયુ છે.
એક સાથે 200 પરિવાર પૂજાનો લાભ લઈ શકશે
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે, જેમાં યાત્રિકોને મળતી તમામ સુવિધાઓ, ગોર મહારાજની સંપર્કની વિગતો, પૂજા-વિધિ માટેના લોકેશન, ઓનલાઈન રજિસ્ટ્રેશન જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. જેથી સિદ્ધપુર મુકામે આવનાર યાત્રિકોને આ સ્થળની તમામ સુવિધા અંગે પોર્ટલ મારફતે અવગત કરી શકાય. આ વિશાળ પરીસરમાં યાત્રાળુઓને તમામ સ્થળોની જાણકારી મળી રહે તે માટે સાઈટ મેપ પણ મુકવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં અહી એકસાથે 200 પરિવાર પૂજાનો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
2012માં યાત્રાધામમાં યાત્રાળુઓ માટે સુવિધાઓ ઊભી કરાઈ હતી
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોનો અદ્યતન સુવિધાઓ સાથે વિકાસ કરવામાં આવે છે. જે અંતર્ગત ઐતિહાસિક નગરી સિદ્ધપુર મુકામે આવેલા બિંદુ સરોવર ખાતે વર્ષ 2012માં નવીન કુંડનું નિર્માણ, માતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવતું પ્રદર્શન, મ્યુઝીયમ, પાર્કિંગ, કુંડ, શૌચાલય, શ્રાદ્ધ વિધિ માટે જુદી જુદી છત્રીઓ હેઠળ બેઠક વ્યવસ્થા, રુદ્રમહાલયની પ્રતિકૃતિ, ગાર્ડન, સ્નાનાગાર, એમીનીટી સેન્ટર, વી.આઈ.પી રૂમ, ઓફીસ બિલ્ડીંગ, પ્રવેશ દ્વાર, પરિસરની કમ્પાઉન્ડ વોલ, સોલાર સિસ્ટમ વગેરેને વિકસાવવામાં આવ્યા હતા. આ સિવાય સિદ્ધપુરના બિંદુ સરોવર મુકામે આવતા યાત્રાળુઓ માટે પુરતી સ્વચ્છતા, સુરક્ષા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પૂજા-વિધિ હોલ, ચેન્જીંગ રૂમ, ગાર્ડન અને ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી પણ કરવામાં આવી હતી.
યાત્રાળુઓ માટે વધુ સુવિધાઓ
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બિંદુ સરોવર સિદ્ધપુર મુકામે રાત-દિવસ સ્વચ્છતા, સંપૂર્ણ પરીસરની સફાઈ, બિંદુ સરોવર કુંડનાં પાણીને ફિલ્ટર કરી ચોખ્ખું કરવું, અલ્પા સરોવરમાં પણ સફાઈની કામગીરી, બન્ને સરોવરમાં પાણીને સમયાંતરે સ્વચ્છ કરવા માટે ફિલ્ટરેશન પંપ, સીનીયર સીટીઝન માટે ઈ-રિક્ષા સહિતની સુવિધા કરવામાં આવી છે.
પૂજા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન
વિધિવત પૂજા માટે ઈચ્છુક નાગરિકો સરળતાથી લાભ લઈ શકે તેમજ સમગ્ર પ્રક્રિયા પારદર્શક બને તે હેતુથી ડિજિટલ માધ્યમથી તમામ કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે. અહી પિંડદાનની વિધિવત પૂજા-અર્ચના હેતુથી આગામી સમયમાં “Online Queue Management System” પોર્ટલ વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન, ઓનલાઇન સ્લોટ/સ્પોટ બુકિંગ, ઓનલાઇન પેમેન્ટ ફેસિલિટી મળી રહેશે.
બિંદુ સરોવરનું મહાત્મય
સિદ્ધપુરની વહોરવાડમાં બેનમૂન સ્થાપત્ય ધરાવતાં પૌરાણિક મકાનો આવેલા છે. ભારતનાં આવેલા પવિત્ર સરોવરો પૈકીનું એક “બિંદુ સરોવર” સિદ્ધપુર ખાતે આવેલું છે. બ્રહ્માંડની રચનાથી આદિ શક્તિના સ્વરૂપ તરીકે માતાનું વિશેષ મહત્વ છે. માતાની ભક્તિ અને સ્નેહનું મૂલ્ય કોઈ આંકી શક્યું નથી. બિંદુ સરોવર માતૃશ્રાદ્ધની વિધિ કરવા માટેનું પવિત્ર સ્થળ છે અને દેશના ખૂણે-ખૂણેથી હજારો પરિવારો દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર એટલે કારતક મહિનામાં તેમની સ્વર્ગવાસ માતાની ધાર્મિક વિધિ કરવા માટે અહી મુલાકાતે આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ બિંદુ સરોવર એટલે ટીપાંથી બનેલું સરોવર. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના આંસુ તળાવમાં પડ્યા હતા. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામે બિંદુ સરોવરના કિનારે તેમની માતા રેણુકાને પિંડ પ્રદાન કર્યું હતું. આ પવિત્ર સ્થાન પર પરશુરામનું મંદિર પણ આવેલું છે જ્યાં અનેક ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી.