Gujarat University dual degree: સાયબર સિક્યુરિટીથી લઈને ફોરેન લેંગ્વેજ સુધી: હવે એકસાથે બે કોર્સ ગુજરાત યુનિવર્સિટીમાં
Gujarat University dual degree: અમદાવાદ સ્થિત રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીએ એક નવી શૈક્ષણિક પહેલ શરુ કરી છે, જે હેઠળ વિદ્યાર્થીઓ હવે એકસાથે બે અલગ અલગ ડિગ્રી કોર્સ કરી શકશે. ‘ડ્યુઅલ ડિગ્રી’ તરીકે ઓળખાતી આ યોજના આગામી શૈક્ષણિક સત્રથી અમલમાં મુકાશે. નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) હેઠળ આજ સુધી માત્ર એક જ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ હવે સાથે સાથે સ્કિલ બેઝ્ડ કોર્સ કરવાના મોકા મેળવી શકશે.
શું છે ડ્યુઅલ ડિગ્રી મોડેલ?
વિદ્યાર્થીઓ તેમના મુખ્ય ગ્રેજ્યુએશન કોર્સ – જેમ કે BA, BCom, BSc, BBA કે BCA – સાથે-skills આધારિત બીજી ડિગ્રી પણ મેળવી શકશે. કુલ મળીને 27 વિષયોમાં ડ્યુઅલ ડિગ્રી માટે વિકલ્પો ઉપલબ્ધ રહેશે. આમાં એક વર્ષનો સર્ટિફિકેટ, બે વર્ષ માટે ડિપ્લોમા, ત્રણ વર્ષ માટે રેગ્યુલર ડિગ્રી અને ચાર વર્ષ સુધી અભ્યાસ કરનારે ‘ઓનર્સ ડિગ્રી’ મળશે.
કઈ રીતે મળશે ફાયદો?
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થી જ્યારે માત્ર એક ડિગ્રી લઇને બહાર આવે છે, ત્યારે ઘણીવાર તેમને લાગે છે કે સાથે કોઈ વ્યાવસાયિક કે ટેક્નિકલ અભ્યાસ કર્યો હોત તો વધુ કારકિર્દીગત ફાયદો મળ્યો હોત. એજ વાતને ધ્યાનમાં રાખી UGC હેઠળ NEPમાં ડ્યુઅલ ડિગ્રીની વાત છે.”
કયા વિષયો ઉપલબ્ધ રહેશે?
વિદ્યાર્થીઓ નીચે મુજબના કેટલાક પોપ્યુલર વિષયોમાં ડ્યુઅલ ડિગ્રી મેળવી શકશે:
સાયબર સિક્યુરિટી
એવિએશન
મેરીટાઈમ મેનેજમેન્ટ
ફોરેન લેંગ્વેજ
એનિમેશન
આ બધાં કોર્સ યુનિવર્સિટી કેમ્પસ તેમજ ઓનલાઈન મોડ દ્વારા પણ ઉપલબ્ધ રહેશે જેથી દુર રહેતા વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકે.
કોલેજના અભ્યાસ પર અસર નહીં
ડ્યુઅલ ડિગ્રીનો અભ્યાસ એવા સમયમાં કરાવાશે જેનાથી વિદ્યાર્થીના મુખ્ય કોર્સના ક્લાસ અથવા અભ્યાસ પર કોઈ અસર ન થાય. આથી વિદ્યાર્થીઓ બે કોર્સની બેલેન્સ સાથે સરળતાથી અભ્યાસ કરી શકશે.
નિષ્ઠા પૂર્વક અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ એક ઉત્કૃષ્ટ તક છે – જે સાથે ડિગ્રી અને કારકિર્દી બંનેને નવી ઊંચાઈ આપે છે. ગુજરાત યુનિવર્સિટી તરફથી આવી પહેલ એ સાબિત કરે છે કે ઉચ્ચ શિક્ષણ હવે વધુ લવચીક અને કારકિર્દી કેન્દ્રિત બનતું જઈ રહ્યું છે.