Gujarat રાજકારણમાં સાધારણ ઘટનાઓ બનતી જ નથી, જે કંઈ પણ બને છે તે અસાધારણ જ હોય છે. ભલે પછી એ નાની હોય કે મોટી. ભરુચ લોકસભા સીટને કોંગ્રેસના મર્હુમ નેતા અહેમદ પટેલની સીટ માનવામાં આવે છે, પણ આ ભ્રામક્તા છે, ખોટી માન્યતા છે. અહેમદ પટેલે 1989ની લોકસભા ચૂંટણીમાં ચંદુભાઈ દેશમુખ સામે હાર્યા બાદ ક્યારેય લોકસભા ચૂંટણી લડવાનાં મેદાનમાં ઝંપલાવવાનું ટાળ્યું હતું અથવા તો એક રીતે કહીએ કે તેમણે લોકસભા ચૂંટણી લડવાનું માંડી જ વાળ્યું અને મૃત્યુપર્યંત તેઓ ગુજરાતમાંથી રાજ્યસભમાં સતત જીતતા આવ્યા. લોકસભા ચૂંટણીમાં ઉભા રહેવાના નામે તેમણે પછી કોઈ વિચાર કર્યો નહીં.
ભરુચના બદલે મુ્સ્લિમને આપી નવસારીની સીટ
જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને ગુજરાતના કોકડાને તેમણે હાથ પર લીધું. ખાસ કરીને 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમની ઈચ્છા હતી કે અહેમદ પટેલ ભરુચમાંથી ફરી એક વાર લોકસભાની ચૂંટણીમા ઝંપલાવે. અહેમદ પટેલે ભરુચમાંથી તો શું કોંગ્રેસ માટે સલામત મનાતી દેશની કોઈ પણ સીટ પરથી ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો. ગાંધી પરિવારનું પ્રેશર વઘતા ભરુચ સીટ પરથી મુસ્લિમનું બલિદાન આપી 2014માં અહેમદ પટેલના કહેવાથી મુસ્લિમ સીટ સીધી નવસારી પહોંચી ગઈ અને મકસુદ મીર્ઝા જેવા યુવાનને રાજકીય શહીદમાં ધકેલી દેવામાં આવ્યા.
ભરુચમાં આપ સાથે ગઠબંધનું કમઠાણ
2024ની ચૂંટણીમાં ભરુચ બેઠક પર પહેલી વાર કોંગ્રેસનું સિમ્બોલ જોવા મળશે નહીં. કોંગ્રેસને આ સીટ સીધી રીતે આમ આદમી પાર્ટીને આપી દીધી. આપને સીટ ફાળવી દેવામાં આવ્યા બાદ ભરુચના કોંગ્રેસીઓ ગિન્નાયા છે. સુલેમાન પટેલે જાહેરમાં બળાપો કાઢ્યો તો અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે હૈયાવરાળ કાઢી છે. ભાજપનો પણ અહેમદ પ્રેમ છલકાયો હતો અને ભાજપના નેતાઓએ કહ્યું કે અહેમદ પટેલના વારસાને ખતમ કરવામાં આવી રહ્યો છે.
મુમતાઝને નવસારી સીટ પર લડાવવાની ચર્ચા
હવે નવસારી પરથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને લડાવવાની ચર્ચા ચાલી રહી છે. પાર્ટી આદેશ આપે તો તેઓ નવસારીમાંથી ચૂંટણી લડવા માટે તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે. નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુમતાઝને સપોર્ટ આપવા માટે કેટલાક મુસ્લિમ નેતાઓ આગળ આવ્યા છે પરંતુ કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરો અને નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરો અને નેતાઓ ઈચ્છી રહ્યા છે કે મુમતાઝ પટેલે નવસારીથી તો ચૂંટણી નહીં જ લડવી જોઈએ.
શા માટે મુમતાઝે નવસારીથી ચૂંટણી નહીં લડવી જોઈએ?
નવસારી લોકસભાની સીટ કોંગ્રેસ માટે શહીદ ચોક મનાય છે. નવસારીમાં ચૂંટણી લડવી એટલે એમાં સંગઠન વિના પ્રચાર કરવો એટલે રણમાં ભટકતા રહેવા જેવું છે. બીજું એ કે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નવસારીથી ઉભા છે. તેમની ગત લોકસભા ચૂંટણી લીડ સાડા પાંચ લાખની છે. આ લીડ કાપવા માટે નવસારી કોંગ્રેસની જરા સરખી પણ મજબૂત સ્થિતિ નથી, કોંગ્રેસ કમજોર છે. નવસારી અને સુરત સિટી-જિલ્લામાં અડધો અડધ વહેંચાયેલી નવસારી લોકસભા મુમતાઝ પટેલ માટે ત્રણ દિવસમાં પગપાળા વિના ઓક્સિજને હિમાલય ચઢવા જેવી વાત છે.
અહેમદ પટેલના વારસાને લાગશે બટ્ટો…
મુમતાઝ પટેલને નવસારીની સીટ આપવાનો મતલબ એ થાય છે કે મર્હુમ અહેમદ પટેલના રાજકીય વારસા સાથે ક્રુર અને અભદ્ર મજાક સમાન બની રહેશે. નવસારી સીટ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાડી જીતવા માંગતી હોય તો વાત સમજમાં આવે છે પણ અહીંયા જીતવા માટે નહીં પણ અહેમદ પટેલના વારસાને સાચવીન લેવામાં આવ્યો હોવાનો મેસેજ આપવાની કોશિસ માની શકાય અને મુસ્લિમને પણ સાચવી લેવામાં આવ્યા હોવાનું કોંગ્રેસ નેતાઓ કહી શકે.
મુમતાઝ પટેલની રાજકીય કારકિર્દીને મધદરિયે ડૂબાડી દેશે.
અહીંયાની હાર એટલે મુમતાઝ પટેલ જ નહીં પણ ભવિષ્યમાં મુસ્લિમ ઉમેદવાર માટે પણ કપરાચઢાણ બની રહેશે. કોંગ્રેસના નેતાઓ ફટ્ટાક દઈને કહી દેશે કે જ્યાંથી ટિકિટ આપીએ છીએ ત્યાંથી મુસ્લિમો હારી જાય છે. અન્ય ઉમેદવારો માટે દરવાજા બંધ થઈ જશે. કોંગ્રેસને વગર જોઈતું કારણ મળી જશે મુસ્લિમને ટિકિટ નહીં આપવાનું. આ ઉપરાંત મુમતાઝ પટેલની રાજકીય કારકિર્દીને નવસારી હાર મધદરિયે ડૂબાડી દેશે. મુમતાઝની રાજકીય નાવ કિનારે લંગારાશે નહીં એ આશંકા વધુ પ્રબળ છે.
મુસ્લિમોને સલામત સીટ કેમ નહીં?
કોંગ્રેસના મુસ્લિમ નેતાઓ અને કાર્યકરો માની રહ્યા છે કે લોકસભમાં મુસ્લિમોને હારવાની સીટ પર જ કોંગ્રેસ દ્વારા ધકેલી દેવામાં આવે છે. કાંટાળા હાર જેવી સીટ મુસ્લિમ ધરીને કોંગ્રેસના નેતાઓ મુસ્લિમોને સાચવ્યા હોવાની ગુલબાંગ પોકારે છે પરંતુ મુસ્લિમ કાર્યકરો દ્વારા આ વખતે મુમતાઝ પટેલને નવસારી સીટ પરથી નહીં લડવા અપીલ કરવામાં આવી રહી છે તો કોંગ્રેસ હાઈકમાન્ડને પણ નવસારી સીટ પરથી મુસ્લિમને નહીં લડાવવા રજૂઆતનો દોર શરુ કરવામાં આવ્યો છે. નવસારીના બદલે મુસ્લિમ ઉમેદવાર માટે શહીદ ચોક નહીં હોય તેવી સીટ પરથી ટિકિટ આપવા માંગ કરવામાં આવી રહી છે, જેમાં ભરુચ સીટ પણ સામેલ છે.