Health workers strike : ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ: સરકારે અલ્ટીમેટમ જારી કર્યું, કડક પગલાંની ચેતવણી
Health workers strike : ગુજરાતના આરોગ્ય વિભાગમાં છેલ્લા 15 દિવસથી ચાલતી હડતાળને પગલે આરોગ્ય સેવાઓ પર ભારે અસર પડી છે. પંચાયતી સંવર્ગના આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાકીદના પગલાં ભર્યા છે. રાજ્યમાં આરોગ્ય સેવામાં અનિશ્ચિતતાને ટાળવા માટે સરકારે હવે એસાન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ (ESMA) લાગુ કરી દીધો છે.
હડતાળ પર અડગ આરોગ્ય કર્મચારીઓ
રાજ્યભરમાં હડતાળના કારણે હોસ્પિટલોમાં દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે વાટાઘાટો પણ કરવામાં આવી, જેના કારણે 10,000થી 12,000 કર્મચારીઓએ ફરી ફરજ સંભાળી છે. તેમ છતાં, 5,000 જેટલા આરોગ્ય કર્મચારીઓ હજી પણ હડતાળ પર છે, જેને લઈને સરકાર હવે કડક વલણ અપનાવવા તૈયાર છે.
આરોગ્ય મંત્રીએ આપી ચેતવણી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે 3 એપ્રિલ સુધી હડતાળ સમાપ્ત ન થાય તો સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવશે. હડતાળની મુખ્ય માંગ પે-ગ્રેડ સુધારવાની છે, જે વિવિધ કેડરોના કર્મચારીઓને અસર કરે છે. જોકે, સરકાર એકમાત્ર એક વિભાગ માટે તાત્કાલિક પે-ગ્રેડ સુધારવા માટે સક્ષમ નથી. મંત્રીએ હડતાળીઓને અનુરોધ કર્યો છે કે તેઓ વાટાઘાટો દ્વારા સમસ્યાનું ઉકેલ લાવે અને તાત્કાલિક ફરજ પર પાછા ફરે.
હાડતાળના કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત
આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદત માટે હડતાળ પર છે. ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવાની અને ખાતાકીય પરીક્ષાઓ રદ કરવાની તેમની મુખ્ય માંગણીઓ છે. સરકારી સત્તાવાળાઓ દ્વારા વારંવાર સમજૂતી અપાય પછી પણ કેટલાક કર્મચારીઓ હડતાળ પર અડગ છે. જો હડતાળ ચાલુ રહેશે, તો સરકાર આરોગ્ય સેવાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા વિકસાવવા માટે પણ વિચારણા કરી રહી છે.
સરકાર અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચેની આ તંગદિલી હડતાળ સમાપ્ત થતાં જ શમાશે કે નહિ, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.