Surat સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા સગરામપુરામાં બંધાઈ રહેલી બિલ્ડીંગને ભારે હોબાળો મચી ગયો છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઝોનલ અધિકારી અને કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાની કાર્યપદ્વતિ સામે વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે. બાંધકામ અંગે અખબારી અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા બાદ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ જોઈએ તેવી રીતે હરકતમાં આવ્યા હોવાનું લાગી રહ્યું નથી.
સેન્ટ્રલ ઝોનના ગાંજાવાલાની રહેમ નજર હેઠળ બેફામ બનેલા બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરતા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે, અધિકારીઓના કાને ગેરકાયદે બાંધકામ અંગેની ફરિયાદ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી.
વિગતો મુજબ સગરામપુરા ચોગાન શેરીમાં 2/3996 નંબરથી નોંધાયેલી અને સૈયદ પેલેસ તરીકે ઓળખાતી મિલ્કતમાં હાલ બાંધકામ ચાલી રહ્યું છે. હાલમાં બે માળનું બાંધકામ કરવામાં આવ્યું અને ત્રીજા માળનું બાંધકામ ચાલી રહ્યું છે. પ્લાન પાસ કરવાની કોપીથી લઈને અનેક બાબતો અંગે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ અત્યાર સુધી કાર્યવાહી કરી હોવાનું જણાઈ આવી રહ્યું નથી.
વિગતો મુજબ હાલ બાધકામ ચાલી રહ્યું છે અને ચાલુ બાંધકામ દરમિયાન જ લોકોને રહેતા કરી દેવામાં આવ્યા છે. પહેલા માળે રહીશો રહેતા હોવાનું સ્થળ મુલાકાત દરમિયાન જોવા મળ્યું છે. બી ફોર યુઝ(બીયુસી) વિના જ લોકોને ચાલુ બાંધકાન દરમિયાન જ લોકોને રહેતા કરી દેવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોન દ્વારા કોઈ સખત કાર્યવાહી કરવામાં આવી રહી નથી તે સ્પષ્ટ થાય છે.
અત્રે નોંધવનું ઘટે કે દોઢેક મહિના પહેલાં જ આ જ બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ પડી ગયો હતો અને મહિલાને ઈજા પણ થઈ હતી. એટલે બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે બીયુસી વિના જ લોકને રહેતા કરી દેવાતા જાન માલને લઈ મોટો ખતરો ઉભો થઈ જવા પામ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં બાંધકામ દરમિયાન બે બિલ્ડીંગ વચ્ચે હવા-ઉજાસ માટે છોડવાની રહેતી જગ્યા પણ છોડવામાં આવી નથી. આ ઉપરાંત પાછળના ભાગે એક ગલી હતી તે ગલીને પણ કવર કરી નાંખવામાં આવી છે. બાંધકામમાં બાલ્કની કવરથી લઈને અનેક પ્રકારના પ્લાન વિનાના બાંધકામનાં છીંડા જોવા મળી રહ્યા છે. પ્લાનમાં જે છૂટ આપવામાં આવી નથી તે છૂટ લઈને પણ બાંધકામ કરી નાંખવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.