નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૮થી૧૨ એપ્રિલ દરમિયાન લેવાયેલી બીજા તબક્કાની જેઈઈ મેઈન-પેપર-૧ની પરીક્ષાનું આજે મોડી રાતે પરિણામ જાહેર કરી દેવાયુ છે.પરિણામ સાથે આન્સર કી પણ જાહેર કરવામા આવી છે.એજન્સી દ્વારા પ્રથમ અને બીજી તબક્કાની પરિણામના આધારે કોમન મેરિટ રેન્ક લિસ્ટ પણ જાહેર કરવામા આવ્યુ છે.દેશના ટોપ ૧૦૦ વિદ્યાર્થીમાં ગુજરાતનો વિદ્યાર્થી ૬૦મા રેન્ક પર આવ્યો હોવાનો અંદાજ છે.પર્વિક દવે ગુજરાતમાં પ્રથમ આવ્યો છે.જો કે દેશના ટોપ ૨૪ રેન્કર કે જેઓએ ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા છે તેમાં ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નથી.
ઈજનેરીમાં પ્રવેશ માટે દર વર્ષે લેવાતી જેઈઈ (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ)મેઈનની પરીક્ષા આ વર્ષે પ્રથમવાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાઈ છે અને વર્ષમા બે વાર લેવાનું શરૃ કરાયુ હોઈ પ્રથમ તબક્કાની જેઈઈ મેઈન ૯થી૧૯ જાન્યુઆરી દરમિયાન દેશભરમાં લેવાઈ હતી.ત્યારબાદ બીજા તબક્કાની જેઈઈ મેઈન ૮થી૧૨ એપ્રિલ દરમિયાને લેવાઈ હતી.જેઈઈ મેઈનમાં બીઈ-બીટેક માટે પેપર-૧ની પરીક્ષા લેવામા આવે છે.પેપર-૧ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે.પ્રથમ તબક્કાની જેઈઈ મેઈનના પરિણામમાં એજન્સી દ્વારા માત્ર પર્સેન્ટાઈલ જાહેર કરવામા આવ્યા હતા.બીજા તબક્કાની પરીક્ષાના પરિણામ સાથે એજન્સી દ્વારા કોમન રેન્ક લિસ્ટ અને કટ ઓફ પણ જાહેર કરી દેવામા આવ્યા છે.
આજે મોડી રાતે એજન્સી દ્વારા વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામા આવ્યુ હતું.જે મુજબ બંને તબક્કાની પરીક્ષા આપનારા વિદ્યાર્થીમાંથી ૨૪ વિદ્યાર્થીએ ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.જાન્યુઆરીની પરીક્ષામાં રજિસ્ટર્ડ થયેલા ૯.૨૯ લાખ વિદ્યાર્થીમાંથી ૮.૭૪ લાખે પરીક્ષા આપી હતી .જ્યારે એપ્રિલની પરીક્ષામાં ૯.૩૫ લાખમાંથી ૮.૮૧ લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે બંને તબક્કાની પરીક્ષા આપનારા યુનિક ઉમેદવારો ૧૧,૪૭,૧૨૫ છે.બીજા તબક્કામાં પ્રથમવાર અને નવા નોંધાયેલા ૩ લાખથી વધુ વિદ્યાર્થી હતા. ૨,૯૭,૯૪૩ વિદ્યાર્થી એવા છે કે જેઓએ પ્રથમવારની પરીક્ષાના પરિણામ બાદ બીજા તબક્કાની પરીક્ષાના પરિણામમાં માર્કસ સુધાર્યા છે.એજન્સી દ્વારા બીજા તબક્કાની પરીક્ષાના પરિણામ સાથે પ્રવેશ માટે જરૃરી એવા ઓલ ઈન્ડિયા રેન્કનું લિસ્ટ પણ જાહેર કરી દેવાયુ છે.ઓલ ઈન્ડિયા રેન્કના આધારે વિવિધ રાજ્યની ઘણી ટોપ પ્રાઈવેટ ટેકનિકલ યુનિ.ઓ-કોલેજોમાં પ્રવેશ થાય છે.