Mukesh Patel son license controversy: નાગાલેન્ડ લાઇસન્સ કૌભાંડમાં રાજ્ય મંત્રીના પુત્રનો ખુલાસો: હવે કાર્યવાહી થશે?
Mukesh Patel son license controversy: નાગાલેન્ડથી હથિયાર લાઇસન્સ મેળવવાનું રેકેટ હવે ગંભીર ઘાટ લઈ ચૂક્યું છે. રાજ્યમાં હાલ આ કૌભાંડને લઈને એટીએસ, સુરત ક્રાઇમ બ્રાંચ, તેમજ સુરેન્દ્રનગર એસઓજી સહિત અનેક તપાસ એજન્સીઓ એલર્ટ છે. નવા ખુલાસા અનુસાર રાજ્યકક્ષાના મંત્રી અને ઓલપાડના ત્રણ વખતના ધારાસભ્ય મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલનું નામ પણ આ કૌભાંડમાં ઉઘર્યું છે.
વિશાલ પટેલે વર્ષ 2022માં નાગાલેન્ડથી All India Arms License મેળવ્યું હતું. વિશેષ વાત એ છે કે આ લાઇસન્સ પર UIN નંબર હસ્તલિખિત રૂપે લખાયેલો છે, જે સામાન્ય રીતે સરકારી દસ્તાવેજોમાં ટાઇપ હોય છે. આથી, તેની વૈધતા પર પ્રશ્નો ઊભા થયા છે.
લાઇસન્સમાં ‘જ્હાંગીરપુરા પોલીસ સ્ટેશન’, નાગાલેન્ડનું સરનામું
લાઇસન્સ બુક પર વિશાલનું સરનામું “પટેલ ફળિયું, નઘોઈ, ઓલપાડ” દર્શાવાયું છે, જ્યારે પોલીસ સ્ટેશન તરીકે જ્હાંગીરપુરાનું નામ લખાયું છે. સાથે જ “વર્તમાન રહેઠાણ” તરીકે નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના “ઈન્ડસ્ટ્રીયલ વિલેજ, રાઝુફે”નું સરનામું આપ્યું છે.
આ લાઇસન્સ મેળવવા માટે સપ્ટેમ્બર 2022માં રૂ.20ના સ્ટેમ્પ પેપર પર નાગાલેન્ડ ઓથોરિટી સમક્ષ દસ્તાવેજી પ્રક્રિયા કરવામાં આવી હતી.
સુરત પોલીસના રેકોર્ડમાં પણ નોંધાવ્યું લાઇસન્સ
વિશાલ પટેલના હથિયાર લાઇસન્સને સુરત શહેર પોલીસે પોતાના રેકોર્ડમાં પણ નોંધ્યું છે. માત્ર વિશાલ જ નહીં, બીજા બે શખ્સોએ પણ આવી રીતે નાગાલેન્ડના લાઇસન્સને સુરતમાં માન્યતા માટે “ટેકન ઓવર એપ્લિકેશન” આપી હતી.
સુરત પોલીસે પ્રક્રિયાના ભાગરૂપે નાગાલેન્ડ પોલીસ પાસેથી લખિત NOC (No Objection Certificate) મેળવવાની કાર્યવાહી પણ કરી હતી. DCP હેતલ પટેલે માહિતી આપી હતી કે આવી તમામ અરજીોએ માન્યતાની પ્રક્રિયા હેઠળ નાગાલેન્ડના અધિકારીના સહીવાળા NOC સાથે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા દસ્તાવેજ મોકલવા પડે છે.
ક્રાઇમ બ્રાંચના કહેવા મુજબ… હજુ સુધી તપાસમાં નામ નથી
જ્યારે મામલો અત્યંત સંવેદનશીલ બની ગયો છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાંચના DCP ભાવેશ રોજીયાએ સ્પષ્ટતા કરી હતી કે વિશાલ પટેલના લાઇસન્સ સંબંધે તેમના વિભાગને હાલમાં કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ નથી. તપાસ એજન્સીઓ સ્વતંત્ર રીતે આ કેસની તપાસ કરી રહી છે.
મંત્રીએ મૌન રાખ્યું, રાજકીય ગરમાવો
મંત્રી મુકેશ પટેલનો સંપર્ક કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો કોઈ પ્રતિસાદ મળ્યો નહતો. તેમના પુત્રનું નામ બહાર આવતા રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા છે. સરકાર તરફથી તાત્કાલિક પ્રતિસાદ ન મળતા અનેક આશંકાઓ ઊભી થઈ છે – ખાસ કરીને ત્યારે જ્યારે સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે મળેલા હથિયાર લાઇસન્સ અંગે સતત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.
હવે સવાલ એ છે: મંત્રી પુત્રની ધરપકડ થશે કે નહીં?
ગત સમયમાં ATS દ્વારા 23થી વધુ લોકોની ધરપકડ થઈ ચુકી છે. ત્યારે મંત્રી પુત્ર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે કે નહીં? એ મુદ્દે ચર્ચા તેજ બની છે. હવે જોવું રહ્યું કે તપાસની દિશા કઈ તરફ વળે છે અને કાયદો બધાને સમાન રીતે લાગુ પડે છે કે નહીં.