Nirbhaya Of Gujarat Died : હેવાનિયત સામે માસૂમિયતની હાર: ગુજરાતની નિર્ભયાનું 8માં દિવસે મોત બાદ શોકનો માહોલ
10 વર્ષીય માસૂમ પર થયેલા હેવાનિયત ભરેલા દુષ્કર્મ બાદ પીડિતાએ 180 કલાક સુધી સંઘર્ષ કર્યા બાદ અંતિમ શ્વાસ લીધા
આ ઘટના 2012ના નિર્ભયાકાંડની યાદ તાજી કરતી, સમગ્ર રાજ્યમાં આક્રોશ અને શોકનું મોજુ ફેલાવી
ભરૂચ , સોમવાર
Nirbhaya Of Gujarat Died : 16 ડિસેમ્બર, 2024ના રોજ ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મની ક્રૂર ઘટનાએ સમગ્ર રાજ્યને કંપાવી દીધું છે. બાળકી, જેની હાલત અત્યંત ગંભીર હતી, આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 180 કલાક બાદ મોતને ભેટી છે. દુષ્કર્મ બાદ હેવાનિયતનો શિકાર બનેલી આ બાળકી ક્યારેય ભાનમાં ન આવી. તે જ દિવસથી ICUમાં દાખલ હતી, જ્યાં આજે બપોરે 2 વાગ્યે પહેલીવાર અને સાંજે 5.15 વાગ્યે બીજીવાર કાર્ડિયાક એરેસ્ટ આવ્યા. આખરે, સાંજે 6.15 વાગે બાળકીએ પોતાનો અંતિમ શ્વાસ લીધો.
નિર્ભયાકાંડની યાદ તાજી કરનારી ઘટના
ઝઘડિયાના આ દુષ્કર્મ કાંડની કરૂણતા 16 ડિસેમ્બર, 2012ના દિલ્હી નિર્ભયાકાંડની યાદ અપાવે છે. ઝારખંડથી ભરૂચ આવ્યા હોય તેવા પીડિતાના પરિવાર માટે આ ઘટના ક્યારેય ભૂલાઈ શકે તેમ નથી. ઘટના એ સમયે બની જ્યારે પરિવાર કામ અર્થે બહાર ગયો હતો અને એકલતાનો લાભ ઉઠાવી આરોપી વિજય પાસવાને 10 વર્ષની બાળકીને અપહરણ કરી નિર્જન જગ્યાએ લઈ જઈ બર્બરતાથી દુષ્કર્મ આચર્યું.
સારવાર છતાં જીવ બચાવી શકાયો નહીં
દુષ્કર્મ દરમિયાન બાળકીના મોઢા, પેટ અને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી દેવામાં આવી હતી. શરૂઆતમાં ભરૂચની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી, પરંતુ તેનું પરિણામ ન મળતાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં પુનઃ સર્જરી કરવી પડી. પણ ગંભીર ઇન્ફેક્શન અને પ્રતિકાર શક્તિની નબળાઇને કારણે કોઈ અસરકારી પરિણામ જોવા મળ્યું નહીં.
ઇમ્યુનિટી નબળી હોવાને કારણે સ્થિતિ ન સુધરી
બાળકીના નિમ્ન વજન અને ઓછી ઇમ્યુનિટી પાવર તેની સારવારમાં મુખ્ય અવરોધ રહ્યા. સર્જનોએ સંભવિત તમામ પ્રયાસો કર્યા, પરંતુ ઇન્ફેક્શન અને અન્ય આંતરિક જટિલતાઓના કારણે પીડિતાનું જીવ બચાવી શકાયું નહીં.
સામાજિક આક્રોશ
આ ઘટનાએ માત્ર ભરૂચ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફેલાવ્યો છે. હેવાનિયત સામે ન્યાય માટે પ્રજામાં પ્રબળ ઉદાસીનતા જોવા મળી રહી છે.