Pallav Bridge inauguration Ahmedabad: ગતિનો નવો માર્ગ: પલ્લવ બ્રિજ 1.5 લાખ લોકો માટે બન્યો રાહતનો રસ્તો
Pallav Bridge inauguration Ahmedabad: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓને ઓછી કરવા અને સમગ્ર વિસ્તારોના વિકાસ માટે એક મોટું પગલું ભરાયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 18 મે, 2025ના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે અને તે સમયે અનેક મહત્વના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ રહેશે રૂ. 117 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો 925 મીટર લાંબો પલ્લવ ઓવરબ્રિજ.
દોઢ લાખથી વધુ નાગરિકોને થશે ફાયદો
132 ફૂટના રિંગ રોડ પર આવેલો આ બ્રિજ નારણપુરા, વાડજ, અકબરનગર અને AEC રોડને સીધા જોડે છે. બ્રિજની પહોળાઈ 8.40 મીટર છે અને વાહનચાલકો માટે બંને તરફ કુલ 99 લાઈટ પોલ લગાવવામાં આવ્યા છે. ટ્રાફિક ઘસારો ઘટાડવા અને અવરજવર સરળ બનાવવા માટે તૈયાર કરાયેલો આ બ્રિજ હવે દૈનિક દોઢ લાખથી વધુ નાગરિકો માટે મોટી રાહત લાવશે.
અન્ય વિકાસ કાર્યો પણ શરૂ થશે
આ ઉદ્ઘાટન પ્રસંગે માત્ર પલ્લવ બ્રિજ નહિ, પરંતુ ચીમનભાઈ ઓવરબ્રિજમાં નવું પાક પણ બનાવવામાં આવશે જેના ખાતમુહૂર્તનો પણ કાર્યક્રમ છે. સાથે સાથે હાઉસિંગ પ્રોજેક્ટ્સનો ડ્રો યોજાશે અને કેટલાય લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવશે.
શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં
આ વિકાસકામો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પરિવહન સુવિધાઓની વ્યવસ્થા સુધરશે, અને નાગરિકો માટે જીવન વધારે સુલભ બનશે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા શહેરના માળખાકીય વિકાસ માટે આ પ્રકારના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.