Passport renewal : કેસ પેન્ડિંગ હોય તો પણ હવે 10 વર્ષ માટે પાસપોર્ટ મળશે – ગુજરાત હાઈકોર્ટનો જબરદસ્ત નિર્ણય!
Passport renewal : ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાસપોર્ટ રિન્યૂઅલને લઈને ઐતિહાસિક ચુકાદો અપાયો છે, જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે કોઈ વ્યક્તિ સામે ફોજદારી કેસ પેન્ડિંગ હોવા છતાં પણ તેનો પાસપોર્ટ દસ વર્ષ માટે રીન્યુ કરી શકાય છે.
અદાલતે જણાવ્યું કે ફક્ત કેસ પેન્ડિંગ હોવાનો આધાર લઈ પાસપોર્ટ રદ કરવાનું અધિકાર પાસપોર્ટ વિભાગ પાસે નથી. માત્ર ટ્રાયલ કોર્ટને એટલી જ સત્તા છે કે તે વિદેશ જતા પહેલા આરોપી પર ચોક્કસ શરતો મૂકી શકે છે.
અનુચ્છેદ 21નો ઉલ્લેખ કરીને અગત્યની વ્યાખ્યા
ન્યાયાલયે ભારતીય બંધારણના અનુચ્છેદ 21નો ઉલ્લેખ કરતા કહ્યું કે “વિશ્વમાં ગમે ત્યાં મુસાફરી કરવાનો અધિકાર દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.” પાસપોર્ટ મળવો કે તેનો રિન્યૂઅલ થવો એ કોઈ વિભાગની મરજી પર આધારિત હોવું જોઈએ નહીં, પરંતુ તે નાગરિકના અધિકાર પર આધારિત હોવું જોઈએ.
આ પહેલાં શું થતું હતું?
હાલ સુધી, જો કોઈ વ્યક્તિ સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પાસપોર્ટ વિભાગ માત્ર એક વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ કરતો હતો. જો અરજદાર કોર્ટનો આશરો લે તો તેમને ત્રણથી પાંચ વર્ષ સુધીનો રિન્યૂઅલ મળે એવી પરંપરા હતી.
પરંતુ હવે, ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો અધિકારસર કોઈ અદાલતી રોકટોક ન હોય, તો આવા કેસોમાં પણ પાસપોર્ટ આખા દસ વર્ષ માટે રિન્યૂ થવો જોઈએ.
ટ્રાયલ કોર્ટને નિર્ણયનો અધિકાર
ચૂકાદામાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના દાયિત્વનો પણ ઉલ્લેખ કર્યો છે. ટ્રાયલ દરમિયાન આરોપીની હાજરી સુનિશ્ચિત કરવાનો જવાબદાર આરોપી પોતે છે અને કેસની ગંભીરતાને આધારે કોર્ટ તેની વિદેશ યાત્રા અંગે શરતો મુકવી કે મંજૂરી આપવી એનો નિર્ણય લેશે.