ગુજરાતઃ અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ વરસ્યો

0
64

ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં સતત ત્રીજા દિવસે પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ સુરત વાપીમાં પણ વરસાદની આગાહી છે. સોમવારે સતત ત્રીજા દિવસે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સોમવારે જ બપોરે મેઘરાજાએ ગાજવીજ સાથે વરસાદ વરસાવ્યો હતો.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. એસજી હાઈવે, શ્યામલ, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આકાશ કાળા વાદળોથી ઢંકાયેલું હોવાથી દિવસ પોતે જ અંધકારમય દેખાવા લાગ્યો. ભારે વરસાદના કારણે શહેરનો પશ્ચિમ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પ્રહલાદનગર રોડ પર મુસાફરી કરી રહેલા લોકો ઘૂંટણિયે પાણી ભરાતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ હવે બે દિવસ વરસાદ પડશે.

અમદાવાદમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો?

ચાંદખેડામાં એક ઈંચ અને બોડકદેવ સહિતના અનેક વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા કે.કે.નગર, નારણપુરા, સરખેજ જુહાપુરા, આનંદનગરના અનેક વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વરસાદના કારણે મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ્દ
જીટીયુમાં આયોજિત મુખ્યમંત્રીનો કાર્યક્રમ વરસાદને કારણે રદ કરવામાં આવ્યો છે. આગામી નેશનલ ગેમ્સ સંદર્ભે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાનાર હતો. પરંતુ ભારે વરસાદ અને પવનને કારણે જીટીયુ કેમ્પસમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ અને બોર્ડ વાંકા વળી ગયા હતા. તેથી કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આગામી 15મીએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે.

આગામી 5 દિવસ વરસાદની આગાહી
આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. જેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે. જેમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અરબી સમુદ્રમાં સરક્યુલેશન પલટાયું છે, જેના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે. તેથી માછીમારોને બે દિવસ સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં મંગળવારે પણ અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે.