ભુજમાં ખૂલ્લેઆમ દારૂનું વેચાણ: સલીમ કુંભાર નામના કાર્યકરે IG-CMO ને ફરિયાદ કરી, લિસ્ટેડ બૂટલેગરો સામે પગલાં લેવાની માગણી
કચ્છ જિલ્લામાં બૂટલેગરો ખૂલ્લેઆમ દારુનો ધમધોકાર વેચાણ કરી રહ્યા છે. દારુબંધીવાળા ગુજરાતમાં સરહદી વિસ્તારમાં દારુની રેલમછેલ કરનારા બૂટલેગરોનાં લિસ્ટ તથા મોબાઈલ નંબર સાથે કચ્છ આઈજી સહિત છેક ગાંધીનગર સુધી ફરિયાદ કરવામાં આવી છે અને આવા બૂટલેગરોની પાસા હેઠળ ધરપકડ કરી તેની ગેરકાયદે મિલ્કતો પર બૂલડોઝર ફેરવવાની પણ માંગણી કરવામાં આવી છે.
કચ્છ-ભુજનાં ડીપી ચોક, કેમ્પ એરિયા ખાતે રહેતા સલીમ કુંભાર નામના સામાજિક કાર્યકરે કચ્છ આઈજી, એસપી અને મુખ્યમંત્રી કાર્યાલયને કચ્છ-ભૂજમાં દારુનો મોટાપાયે વેચાણ કરતાં બૂટલેગરોના નામ-નંબર સહિતની ફરિયાદ કરી તેમની વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ બૂટલેગરોમાં અનેક લિસ્ટેડ છે અને તેઓ દારુનો વર્ષોથી વેપલો કરી રહ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કચ્છ જિલ્લાના ભુજ શહેર તથા ભુજ તાલુકામાં ગેરકાયદે દેશી અને અંગ્રેજી દારૂનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યો છે. મજુર વર્ગની હાલત કફોડી બનતી જાય છે. દેશી – અંગ્રેજી દારૂ વેચનારાના બૂટલેગરોની ભઠ્ઠીઓ ધમ-ધમી રહી છે. મજુર વર્ગનો ગરીબ પરીવાર મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. હાલમાં એલસીબી દ્વારા મુંદરા તાલુકાના વવાર ગામે વડાલાની સીમમાં વાડીમાંથી 4.31લાખના ભરેલા દારુ સાથે રેડ પાડવામાં આવેલી હતી. ભુજ શહેર અને ભુજ તાલુકામાં દેશી–અંગ્રેજી દારૂ વેચનારાઓ મોટા બૂટલેગરો છે, તેમની સામે એલ.સી.બી. કેમ રેડ પાડી રહી નથી તેવો સવાલ પણ ફરિયાદીએ કર્યો છે.
ફરિયાદીએ બૂટલેગરોના નામે આપ્યા છે તે પ્રમાણે નવગણ રાજગોર, કાનો રબારી( જયનગર, ભુજ માધાપર, તા.ભુજ), હાર્દિક ગોસ્વામી માધાપર(તા. ભુજ), કુલદિપસિંહ માધાપર(તા.ભુજ), પ્રધુમનસિંહ માધાપર(તા.ભુજ),મિતરાજ માધાપર(તા.ભુજ), પ્રવિણ સીજુ દહીંસરા(તા.ભુજ), પ્રકાશ મહેશ્વરી નારાણપર(તા.ભુજ), મગુભા જાડેજા ખાવડા(તા.ભુજ) સહિતના બૂટલેગરો ઈંગ્લીશ અને દેશી દારુનો મોટા પાયા પર વેપલો કરી રહ્યા છે. આ તમામ બુટલેગરો ઉપર જ એફઆઈઆર કાર્યવાહી કરવાની રહે છે પરંતુ પોલીસવાળા “નીલ” રિપોર્ટ બતાવી દે છે. એલસીબીના મયુર કોઈ ઉપર કેસ થવા દેતો ન હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સબંધિત પોલીસ સ્ટેશનમાં વહીવટ અધિકારી હોય છે, તે વહીવટ વ્યવહાર કરીને ભીનું સંકેલી લે છે.

ફરિયાદ મુજબ એલસીબી તરફથી જયારે અમને નિવેદન માટે ફોન આવે છે ત્યારે અમે નિવેદન લખાવવા જાઈએ છીએ, ત્યારે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચઆર જેઠી દ્વારા અમને એમ કહેવામાં આવે છે કે તમે જગ્યા બતાડો અને વીડિયો ઉતારીને અમને મોકલો. આ કામ અમારું નથી, પરંતુ પોલીસ ખાતાનું હોય છે. ફરિયાદીએ જાગૃત નાગરીક ઉચ્ચ અધિાકરીઓને બૂટલેગોરના નેટવર્ક અંગે સજાગ કર્યા હોવાનું જણાવ્યું છે. ફરિયાદીએ આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.

