IND W vs ENG W: ભારતીય મહિલા ટીમ બેટિંગ અને બોલિંગમાં નિષ્ફળ, ઇગ્લેન્ડે નવ વિકેટે હરાવ્યું

0
48

ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે શનિવારે ચેસ્ટર-લે-સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ T20માં ભારતને 9 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય મહિલા ટીમની બેટિંગ અને બોલિંગ બંને નિસ્તેજ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે યજમાન ટીમ સામે 133 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે ટોપ સ્કોરર દીપ્તિ શર્મા હતી, જે 7મા નંબરે આવી હતી અને તેણે 29 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સરળ સ્કોર ઈંગ્લેન્ડે 7 ઓવર અને 9 વિકેટ બાકી રહેતા સરળતાથી હાંસલ કરી લીધો હતો. શ્રેણીની આગામી મેચ 13 સપ્ટેમ્બરે ડર્બીના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાશે.

આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમને સારી શરૂઆત અપાવતા સ્મૃતિ મંધાના (23) અને શેફાલી વર્મા (14)એ પ્રથમ વિકેટ માટે 4 ઓવરમાં 30 રન જોડ્યા હતા, પરંતુ બંને બેટ્સમેન મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પાવરપ્લેમાં ભારતે આ બે ખેલાડીઓની વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરના બેટ્સમેનો સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. આ દરમિયાન કેપ્ટન હરમનપ્રીતે 20 રનની ઇનિંગ રમી હતી. અંતમાં દીપ્તિએ આવીને 24 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 29 રન બનાવીને ભારતને 132ના સ્કોર સુધી પહોંચાડ્યું. ઈંગ્લેન્ડ તરફથી સારાહ ગ્લેને 4 વિકેટ લીધી હતી.

આ નાના સ્કોરનો બચાવ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ તરફથી સોફિયા ડંકલીએ 44 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 61 રનની અણનમ ઈનિંગ રમી હતી, જ્યારે એલિસ કેપ્સી પણ 20 બોલમાં અણનમ 32 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ઇંગ્લેન્ડને એકમાત્ર ઝટકો સ્નેહ રાણાએ ડેનિયલ વ્યાટને 24ના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને આપ્યો હતો. રેણુકા સિંહ (5.80)ને બાદ કરતાં દરેક ભારતીય બોલરે 10થી વધુ ઇકોનોમી રન ખર્ચ્યા છે.