
ભારતના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કોરોના વાયરસને હરાવ્યો છે. કોવિડ-19માંથી સાજા થયા બાદ અશ્વિન ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. જો કે, તે ગુરુવારે (23 જૂન) થી શરૂ થયેલી લેસ્ટરશાયર સામેની વોર્મ-અપ મેચમાં રમ્યો ન હતો. અશ્વિને એજબેસ્ટન ખાતે યોજાનારી પાંચમી ટેસ્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે લીસેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સાથે દેખાયો હતો.
અશ્વિન ટેસ્ટ ટીમના અન્ય સભ્યો સાથે ઈંગ્લેન્ડ ગયો ન હતો. તે કોરોના સંક્રમિત થવાને કારણે ભારતમાં હતો. 16 જૂનના રોજ અશ્વિન ટેસ્ટ ટીમ સાથે ફ્લાઈટ કરવા મુંબઈ આવ્યો હતો, પરંતુ તેને ક્વોરેન્ટાઈન કરવો પડ્યો હતો. લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચ માટે તેની પસંદગી કરવામાં આવી નથી.
ભારતીય ટીમ ગત વર્ષે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. ચાર મેચો પછી, પાંચમી અને અંતિમ ટેસ્ટ કોરોનાવાયરસને કારણે સ્થગિત કરવામાં આવી હતી. ચાર ટેસ્ટ મેચ રમાઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ હતી.
એજબેસ્ટન ટેસ્ટ પહેલા બીજી ટીમ ઈન્ડિયા આયર્લેન્ડમાં બે મેચની T20 સીરીઝ રમશે. તે ટીમના કોચ વીવીએસ લક્ષ્મણ અને કેપ્ટન હાર્દિક પંડ્યા છે. 26 અને 28 જૂને બે T20 મેચ રમાશે. એક રીતે ટેસ્ટ ટીમ એજબેસ્ટન ખાતે રમશે તો બીજી તરફ મર્યાદિત ઓવરોની ટીમ 1 જુલાઈએ ડર્બીશાયર અને 3 જુલાઈએ નોર્થમ્પટનશાયર સામે ટી-20 વોર્મ-અપ મેચ રમશે. આ પછી 7, 9 અને 10 જુલાઈએ ત્રણ ટી-20 મેચ રમાશે. ત્યારબાદ 12, 14 અને 16 જુલાઈએ ત્રણ વનડે રમાશે.