ડોલર આઉટ: ભારત-UAE હવે પોતાની કરન્સીમાં વેપાર કરશે

ભારત અને યુએઈએ સીમાચિહ્નરૂપ કરાર કર્યો છે. ભારત અને યુએઈ હવેથી પોતાની કરન્સીમાં વેપાર કરશે. ડોલરની જગ્યાએ ભારતીય રૂપિયો અને યુઈએના દિરહામને વેપાર માટે ચલણી બનાવવાના કરાર પર મંજુરીની મહોર મારવામાં આવી છે.

બન્ને દેશો આશરે 50 બિલિયન ડોલરનો દ્વિપક્ષી વેપાર કરે છે. ભારત અને યુએઈ વચ્ચે વેપારમાં સૌથી મોટી ભાગીદારી માનવામાં આવે છે. બન્ને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અનેક રોકાણ કર્યા છે. ખાસ કરીને આયાત અને નિકાસને વૃદ્વિ આપવા માટે બન્ને દેશોએ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે.

ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની બે દિવસીય મુલાકાત દરમિયાન તાત્કાલિક અસરથી કરારનો અમલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. યુએઈનાં વિદેશ મંત્રાલય અને આંતરરાષ્ટ્રિય સહકાર પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ ન્યહાન સાથે અબુધાબીમાં ભારત-યુએઈની 12મી જોઈન્ટ કમિશનની મીટીંગ યોજવામાં આવી હતી.

બંને નેતાઓ વેપાર, સિક્યોરીટી અને સંરક્ષણમાં સહકાર વધારવા સહમત થયા હતા. નેતાઓએ ગુનેગારો, ઉગ્રવાદ અને આતંકવાદ સામે લડવાનું નક્કી કર્યું હતું. શેખ અબ્દુલ્લાએ કહ્યું કે યુએઈએ હંમેશા ભારત સાથે મજબૂત ઐતિહાસિક સંબંધો રાખ્યા છે અને દ્વિપક્ષીય સંબંધો પરસ્પર આદર અને ટ્રસ્ટ પર આધારિત છે, જેનો હેતુ લોકોના પરસ્પર લાભને વધારવાનો છે.

યુએઈનાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીના પ્રસંગે સુષ્મા સ્વરાજએ લોકોને અભિનંદન આપ્યા હતા. યુએઈની સેન્ટ્રલ બેન્ક અને ભારતીય રિઝર્વ બેન્ક વચ્ચેના કરન્સી સ્વેપ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત આફ્રિકામાં સહકાર અને વિકાસ માટેના કરારને પણ મંજુરી આપી હતી.

યુએઈના સેન્ટ્રલ બેંકના ડેપ્યુટી ગવર્નર મોહમ્મદ અલી બિન ઝૈદ અલ ફલાસી અને ભારતના યુએઈના એમ્બેસેડર નવીદીપ સિંહ સુરીએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

યુએઈનાં વિદેશ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયના આર્થિક અને વાણિજ્યિક બાબતોના સહાયક પ્રધાન મોહમ્મદ શરાફ અને ભારતીય વિદેશ મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ ટી.એસ. તિરુમુર્તિએ વરિષ્ઠ અધિકારીઓની મીટિંગનું અલગથી નેતૃત્વ કર્યું હતું, જેમાં આઠ પેટા સમિતિઓ હેઠળ યોજાયેલી ચર્ચા કરવામાં હતી. ખાસ કરીને દ્વિપક્ષીય બાબતોમાં  કોન્સ્યુલર ફિલ્ડ, સ્પેસ, શિક્ષણ, કૃષિ અને પશુધન,વિકાસ, નાગરિક ઉડ્ડયન અને આર્થિક અને વેપાર, રોકાણો, બેંકિંગ અને નાણા સહકારનો સમાવેશ થાય છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com