હીરાસર એરપોર્ટ અથવા રાજકોટ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ વર્ષના ઓગસ્ટ સુધીમાં કાર્યરત થઈ જવાની ધારણા છે. રાજકોટના જિલ્લા મેજીસ્ટ્રેટના જણાવ્યા અનુસાર આ પ્રોજેકટ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘હવાઈ ચપ્પલથી હવાઈ જહાઝ’નું સપનું સાકાર થતું જણાય છે.ઔદ્યોગિક શહેર રાજકોટથી 30 કિમી દૂર આવેલું એરપોર્ટ 1,032 હેક્ટર વિસ્તારમાં ચાર તબક્કામાં બનાવવામાં આવી રહ્યું છે. તેમાં 23,000 ચોરસ મીટરના પેસેન્જર ટર્મિનલ વિસ્તાર સાથે કુલ 14 પાર્કિંગ સ્ટેન્ડ હશે.
રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ અરુણ મહેશ બાબુએ માહિતી આપતા જણાવ્યું હતું કે બાંધકામનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, એરપોર્ટ આ વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં કાર્યરત થઈ જવું જોઈએ. રનવેનું લગભગ 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એર ચપ્પલ પહેરનારા લોકો પણ હવે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં 1.05 કરોડ લોકોએ વિમાનમાં મુસાફરી કરી હતી, જે વાર્ષિક ધોરણે 64 ટકા વધારે છે. જ્યારે ઓક્ટોબરમાં આ સંખ્યા 90 લાખ અને સપ્ટેમ્બરમાં 70 લાખની આસપાસ હતી. હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થતાં સરકાર માટે કમાણીનો નવો માર્ગ ખુલ્યો છે. સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના હેઠળ 25 એરપોર્ટનો સમાવેશ કર્યો છે.
જાણો સરકારની નવી યોજના
આગામી ત્રણ વર્ષમાં દેશના 25 એરપોર્ટનું ખાનગીકરણ થઈ જશે . આ એરપોર્ટની પસંદગી વાર્ષિક ટ્રાફિક અને સૂચિત મૂડી ખર્ચ યોજનાના આધારે કરવામાં આવશે. આ એરપોર્ટમાં વારાણસી, ભુવનેશ્વર, ઈન્દોર, રાયપુર, દેહરાદૂન, ચેન્નાઈ, રાંચી, પટના વગેરેનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 2022-23માં કાલિકટ, નાગપુર, મદુરાઈ, કોઈમ્બતુર, સુરત, જોધપુર, પટના અને રાંચી એરપોર્ટ વેચવાની યોજના છે. આ પછી નાણાકીય વર્ષ 2023-24માં વિજયવાડા, વડોદરા, તિરુપતિ, ચેન્નાઈ, ભોપાલ અને હુબલી એરપોર્ટ આવશે. છેલ્લે, ઇમ્ફાલ, ઉદયપુર, અગરતલા, દહેરાદૂન અને રાજમુન્દ્રી એરપોર્ટને ખાનગી હાથમાં સોંપવાની યોજના છે.