Congress Candidate List: કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઝારખંડની ત્રણ લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગોડ્ડાથી દીપિકા પાંડે સિંહ, ચતરાથી કૃષ્ણા નંદ ત્રિપાઠી અને ધનબાદથી અનુપમા સિંહને ટિકિટ આપવામાં આવી છે. ગોડ્ડા સીટ પર દીપિકા પાંડે સિંહનો મુકાબલો ભાજપના ઉમેદવાર નિશિકાંત દુબે સાથે થશે. જ્યારે ચતરામાં કૃષ્ણાનંદ ત્રિપાઠીને ભાજપના કાલીચરણ સિંહનો પડકાર છે. ધનબાદ લોકસભા સીટ પર કોંગ્રેસના અનુપમા સિંહને બીજેપીના ધુલુ મહતો સાથે મુકાબલો કરવો પડશે.
ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું ગઠબંધન
ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું ગઠબંધન છે. ગઠબંધન હેઠળ રાજ્યમાં લોકસભાની 14 બેઠકોની વહેંચણીની અંતિમ જાહેરાત હજુ કરવામાં આવી નથી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, ઝારખંડમાં કોંગ્રેસ 7, JMM 5 અને RJD અને CPI (ML) એક-એક બેઠક પર ચૂંટણી લડશે. જેએમએમએ રાજ્યની દુમકા, રાજમહેલ, ગિરિડીહ અને સિંઘભૂમ બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે કોંગ્રેસે ખૂંટી, લોહરદગા અને હજારીબાગ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. હવે પાર્ટીએ ગોડ્ડા, ચતરા અને ધનબાદથી પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસે ઝારખંડમાં લોકસભાની છ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.
કોંગ્રેસે તેના 10 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી
તાજેતરમાં કોંગ્રેસે તેના 10 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી હતી, જેમાં પૂર્વ JNU વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમારને ઉત્તર પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ ચાંદની ચોકથી જેપી અગ્રવાલ અને ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ઉદિત રાજને તક આપી છે. કોંગ્રેસે દિલ્હી ઉપરાંત પંજાબની છ બેઠકો માટે પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.