આંધ્ર પ્રદેશમાં 3 રાજધાની બનાવવાની યોજાનાને આકાર આપવા સબંધી આંધ્ર પ્રદેશ વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોનો સમાવેશી વિકાસ વિધેયક,2020‘ વિધાનસભામાં પાસ થઈ ગયો છે. જેમાં વિશાખાપટ્ટનમને કાર્યકારી રાજધાની, અમરાવતીને ધારાસભ્ય (Legislative) રાજધાની અને કુર્નૂલને ન્યાયિક (Judicial) રાજધાની બનાવવાનો પ્રસ્તાવ છે. આ બિલ હવે વિધાન પરિષદમાં પાસ કરાવવામાં આવશે, પરંતુ અહી સત્તાધારી YSR કોંગ્રેસ પાસે બહુમત નથી. 58 સભ્યો ધરાવતી વિધાન પરિષદમાં YSR કોંગ્રેસના માત્ર 9 સભ્યો છે. વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન હોબાળો કરી રહેલા તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 17 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ ધારાસભ્યો મુખ્યમંત્રીના ભાષણ સમયે અવરોધ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ જણાવ્યું કે, વિકેન્દ્રીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે તેમની સરકાર ઐતિહાસિક ભૂલોને સુધારી રહી છે. અમે રાજધાનીને બદલી નથી રહ્યા, પરંતુ અમે બે નવી રાજધાની જોડી રહ્યા છીએ. અમરાવતી પહેલા જેમ જ રહેશે. અમે કોઈ પણ ક્ષેત્ર સાથે અન્યાય નહી કરીએ. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હું લોકોને ગ્રાફિક્સ બનાવીને મૂર્ખ નથી બનાવી શકતો. તેમણે પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના દાવાને પણ ફગાવ્યો હતો.
અગાઉ વિધાનસભામાં વિપક્ષ નેતાએ જણાવ્યું કે, તેઓ હાથ જોડીને અપીલ કરે છે કે, રાજધાનીને અમરાવતીથી વિશાખાપટ્ટનમ ના લઈ જવામાં આવે. અમરાવતી વિસ્તારમાં સેંકડો ખેડૂતો અને મહિલાઓએ આ બિલનો વિરોધ કરવા દરમિયાન પોલીસ બેરિકેડનો તોડીને વિધાનસભા પરિસરમાં પહોંચવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન બેકાબુ ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.