કોરોનાવાયરસ ના સંક્રમણ ના સમયે લોક રક્ષક અને સેવાના ભાગરૂપે જ આરોગ્ય વિભાગ સફાઈ કામદારો, પોલીસ તથા મીડિયા કર્મીઓ કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે તેવા સમયે લોકોની સુખાકારી તથા સલામતીના હેતુસર પોસ્ટલ વિભાગના કર્મચારીઓ પણ એક અનોખો સેવાનો યજ્ઞ આરંભ્યો છે. સામાન્ય પરિસ્થિતિમાં ફરજના ભાગરૂપે પોસ્ટ કર્મીઓ લોકોના ઘર સુધી પોસ્ટ કુરિયર કે અન્ય પાર્સલ સુવિધાઓની હોમ ડિલિવરી કરતા હોય છે પરંતુ કોરોનાવાયરસ ના સંક્રમણની પરિસ્થિતિમાં પોસ્ટ કર્મીઓએ તેમની જવાબદારી ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જારી માર્ગદર્શિકાને અમલી બનાવવાના હેતુસર લોકો ઘરની બહાર ન નીકળે, ઘરમાં જ સુરક્ષિત રહે તે માટે આવશ્યક સેવાઓ માટે હોમ ડીલેવરી કરવાની કામગીરી અમલી બનાવી છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના પોસ્ટ વિભાગના કર્મચારીઓ અન્ય જિલ્લા કે તાલુકામાંથી આવતી જીવન રક્ષક દવાઓ લોકોના ઘર સુધી પહોંચાડવાનો ઉમદા કાર્ય કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં વિવિધ રોગોથી પીડાતા હોય તેવા દર્દીઓના ઘરે જઈને પોસ્ટ કર્મીઓએ તેમના સુધી દવા પહોંચાડી હતી ઉપરાંત સૌથી વધુ મેડિકલ પાર્સલ બુક કરીને અન્ય જિલ્લામાં પહોંચાડવાનું કામ પણ પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોસ્ટ વિભાગના કર્મીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કામગીરી કરી પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને કોરોનાવાયરસ ના સંક્રમણના સમયે જરૂરી તકેદારી રાખવા માટે જાગૃત કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે તેમ જ લોકોને પોતાનો આરોગ્ય સારું જળવાઈ રહે તે માટે વારંવાર હાથ ધોવા અને ફરજિયાત માસ્ક પહેરવાની સમજ પણ આપવામાં આવી રહી છે. વધુમાં પોસ્ટ વિભાગ દ્વારા જિલ્લાના 20 હજારથી વધુ જરૂરીયાત મંદ લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું છે ત્યારે કોરોના સામેના આ જંગમાં પોસ્ટ કર્મીઓની કોરોનાવાયરસ તરીકેની આ કામગીરીને આપણે ઘરમાં જ રહી પાલન કરીને બિરદાવી જ જોઈએ.