Surat: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરની વિવિધ શાળામાં રંગોળી, ચિત્ર, વકતૃત્વ અને દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધા યોજાઇ
Surat: કેન્દ્ર સરકાર દ્વારા તા.૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ તા.૮થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજાશે.
જેના ભાગરૂપે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની
પ્રેરણાથી શહેરની શ્રીમતી ક.લ.શં. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ માધ્યમિક ઉ.માધ્યમિક વિભાગ ખાતે દેશ ભક્તિની થીમ ઉપર રંગોળી, ચિત્ર, વકતૃત્વ સ્પર્ધા સાથે દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધાઓ યોજાઇ હતી. તેમજ શાળાની અંદાજિત ૩૮૭ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો દ્વારા દેશના નકશાની ભવ્ય પ્રતિકૃતિ પણ બનાવાઈ હતી. બાળકોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા વિવિધ ચિત્રો અને રંગોળી બનાવી હતી.
સાથે જ દેશભક્તિની થીમ પર વકૃત્વ સ્પર્ધા તેમજ દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધા પણ યોજાઇ હતી. સાથોસાથ શાળા પરિવાર દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ આપવામાં આવી હતી.