Valsad: વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન – ૨૦૨૪ અંતર્ગત તા. ૧૩-૦૮-૨૪ના રોજ સવારે 10.00 વાગ્યાથી પોલીસ પ્લાટૂન સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે.
Valsad જિલ્લા તિરંગા યાત્રાનું સુવ્યવસ્થિત આયોજન થાય તે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સંલગ્ન વિભાગોની એકબીજા સાથે સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના આપી હતી.
વલસાડ જિલ્લા તિરંગા યાત્રા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી
શરૂ થઈ હાલર ચાર રસ્તા, આઝાદ ચોક, મોંઘાભાઈ હોલ થઈ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ૨ કીમીના રૂટ બાદ પરત ફરશે. તિરંગા યાત્રામાં પોલીસ અશ્વ દળ, પોલીસ મોટર સાઈકલ દળ, વિવિધ પોલીસ પ્લાટૂન, પોલીસ બેન્ડ, એનસીસી, એનએસએસ, યોગ બોર્ડના સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, આદિવાસી નૃત્ય મંડળી તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં બાળકો તિરંગા સાથે મોટી સંખ્યામાં ભાગ લેશે. યાત્રામાં ગુજરાત યોગ બોર્ડના ૧૫૦ સભ્યો યોગ પ્રદર્શન કરશે. વિવિધ સ્થળોએ સેલ્ફી પોઈંટ પણ મુકવામાં આવશે.
તિરંગા યાત્રાના રૂટમાં યાત્રાનું વિવિધ સ્થળોએ ફૂલોની પાંખડીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. યાત્રામાં સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો હાજર રહી યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં આરોગ્ય વિભાગને
એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ, નગરપાલિકા તંત્રને સ્વચ્છતા જાળવાય તે માટે યાત્રા રૂટમાં કચરાપેટીની, કચરો ઉપાડવા માટે વોલેન્ટીયર્સની, રૂટની સાફસફાઈ અને રૂટ પર તિરંગા લગાવવાની, પાણી પુરવઠા વિભાગને પીવાના પાણીની તેમજ સંલગ્ન વિભાગને યાત્રામાં ભાગ લેતા લોકો માટે રિફ્રેશમેન્ત ડ્રીન્કની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જિલ્લા પોલીસ તંત્રને યાત્રા દરમિયાન ટ્રાફિકનું સંચાલન કરવા અને માર્ગ અને મકાન વિભાગને વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.