Valsad: હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના વાપી નોટિફાઇડ મંડળ ખાતે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Valsad: વાપી નોટિફાઇડ, વાપી શહેર અને વાપી તાલુકા આમ ત્રણેય મંડળના સહકારથી સંયુક્ત રીતે રેલી આયોજિત કરવામાં આવી હતી.
વાપીમાં બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા રોફેલ કોલેજથી પ્રારંભ થઈ મંગલમૂર્તિ ચોક થઈ ગુંજન ચાર રસ્તા થઈ હોટલ પ્રાઇમ
સુધી પહોંચી હતી. તિરંગા પદયાત્રામાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહિલા કાર્યકર્તાઓ લાંબો તિરંગો તૈયાર કરી રેલીમાં જોડાઈ હતી. જે તિરંગા યાત્રા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બની હતી. તિરંગા પદયાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના લોકોને દેશદાઝ અને દેશ-પ્રેમ માટે જાગૃત કરવા તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી છે. દેશને એક રાખવા, દેશની ઉન્નતિ માટે દરેક ઘર ઓફિસ પર તિરંગો લહેરાવી ભાઈચારાની આદર્શ મિશાલ રજૂ કરીએ. તિરંગા યાત્રા દેશના સ્વાભિમાન માટે છે. કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક દેશવાસીઓ આ તિરંગા યાત્રા માં જોડાઈ તે માટે મંત્રીશ્રીએ આહવાન કરી તિરંગા યાત્રાને સફળ બનાવવા જણાવ્યું હતું.
તિરંગા યાત્રામાં જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, જિલ્લા સંગઠન મંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વાપી શહેર સંગઠન પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઇડ સંગઠન પ્રમુખ હેમંતભાઈ પટેલ, વાપી તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઈ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ પટેલ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.