નિર્ભયા દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપી પવન ગુપ્તાની સ્પેશિયલ લીવ પિટીશન (SLP) મામલે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આરોપી પવન ગુપ્તાની અરજી ફગાવી છે. પવનના વકીલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પવનને ગુનાના સમયે સગીર ગણાવ્યો હતો. પવન ગુપ્તાના વકીલ એપી સિંહે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે, નીચલી અદાલતે ઉતાવળમાં ચુકાદો આપ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ પવનની અરજીને ફગાવી દીધી થે.
અગાઉ પવનના વકીલ એપી સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, જે સમયે ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. તે સમયે પવન 17 વર્ષ અને 1 મહિનાનો હતો. એપી સિંહે જણાવ્યું કે, એવામાં તેની ભૂમિકા મામલે એક સગીર તરીકે માનીને કરવામાં આવવી જોઈએ.
જણાવી દઈએ કે, પવન ગુપ્તા તરફથી દાખલ અરજી બાદ નિર્ભયાની માતાની ધીરજ ખૂટી ગઈ હતી. તેણે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, આખરે આવા નરાધમો પાસે આટલા અધિકાર કેમ છે? નિર્ભયાના આરોપીઓ સતત પોતાની ફાંસીની તારીખો આગળ વધારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને કાયદાની છટકબારીઓથી બચી રહ્યાં છે. નિર્ભયાની માતાએ જણાવ્યું કે, હું ઈચ્છુ છું કે, નિર્ભયાના તમામ આરોપીઓને 1 ફેબ્રુઆરીના દિવસે ફાંસી આપવામાં આવે.