ભાજપને પોતાના સદસ્યતા અભિયાન હેઠળ ઓછામાં ઓછા 10 કરોડ નવા સભ્ય બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ અભિયાન પહેલી સપ્ટેમ્બરથી ચૂંટણી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને છોડીને તમામ રાજ્યોમાં શરૂ થવાનું છે. શનિવારે પક્ષના રાષ્ટ્રીય અને રાજ્ય પદાધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સદસ્યતા અભિયાન હેઠળ નવા પક્ષ પ્રમુખની ચૂંટણીની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
બેઠકમાં પક્ષ અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા ચૂંટણીના રાજ્યો છોડીને બાકીના તમામ રાજ્યના અધ્યક્ષ અને પદાધિકારી અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. બેઠક બાદ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે આ સભ્યપદ પ્રક્રિયાની દેખરેખ રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે કરશે. સાંસદ અને પક્ષ પ્રવક્તા સંબિત પાત્રાના કહેવા પ્રમાણે અભિયાન 1 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ચાલશે. જેમાં લોકો મિસ્ડ કોલ, પક્ષની વેબસાઈટ અને અન્ય ડિજીટલ પ્લેટફોર્મ મારફતે સભ્યપદ લઈ શકશે. આ અભિયાન ચૂંટણી ધરાવતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી બાદ ચલાવવામાં આવશે ત્યારે સંખ્યામાં વધુ વધારો થવાની આશા છે.
પાત્રાએ કહ્યું હતું કે, 2014મા અંદાજીત 11 કરોડ લોકોએ પક્ષના સભ્યના રૂપમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 2019માં અંદાજીત 7 કરોડ લોકોએ અમુક સમય માટે ખોલવામાં આવેલા સભ્યપદ અભિયાન દરમિયાન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.