રાજસ્થાનના પ્રખ્યાત અજમેર શરીફના સર્વેની માંગ બાદ હવે દરગાહ પાસે આવેલી ‘અઢાઈ દિન કી ઝૂંપડી’ મસ્જિદના સર્વેની માંગ કરવામાં આવી છે. આ મસ્જિદને ઐતિહાસિક માનવામાં આવે છે અને તે દેશની સૌથી જૂની મસ્જિદોમાંની એક હોવાનું કહેવાય છે. આ મસ્જિદ દરગાહથી 5 મિનિટના અંતરે છે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત સ્મારક છે.
એ વાત જાણીતી છે કે તાજેતરમાં જ હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ સ્થાનિક કોર્ટમાં દરગાહ શરીફમાં સર્વેની માંગ કરતી અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે પહેલા તેની નીચે શિવ મંદિર હતું. આ અંગે કોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, ASI અને અજમેર દરગાહ સમિતિને 27 નવેમ્બરે નોટિસ પાઠવી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, હવે અજમેરના ડેપ્યુટી મેયર નીરજ જૈને ‘અઢાઈ દિન કી ઝૂંપડી’ ને લઈ નિવેદન જાહેર કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે આ મસ્જિદમાં સંસ્કૃત કોલેજ અને મંદિરના પુરાવા મળ્યા છે.
તેમણે કહ્યું કે આક્રમણકારો દ્વારા તેનો એવી રીતે નાશ કર્ય હતો કે જે રીતે તેઓએ નાલંદા અને તક્ષશિલા જેવા ઐતિહાસિક શૈક્ષણિક સ્થળોનો નાશ કર્યો હતો. જૈનના મતે આ હુમલો કરીને સંસ્કૃતિ, સભ્યતા અને શિક્ષણ પર હુમલો કરવામાં આવ્યો હતો.
જૈને દાવો કર્યો કે ASI પાસે આ જગ્યાએથી 250થી વધુ મૂર્તિઓ મળી આવી છે. અને આ સ્થાન પર સ્વસ્તિક, ઘંટ અને સંસ્કૃત શ્લોક લખેલા છે. તેમણે વધુમાં કહ્યું કે આ મૂળભૂત રીતે 1,000 વર્ષથી વધુ જૂનું છે. અને આનો ઉલ્લેખ ઐતિહાસિક પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. જૈને અગાઉ પણ એવી માંગણી કરી હતી કે આ સ્થળે હાલની ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ. અને ASI એ ખાતરી કરવી જોઈએ કે કોલેજનું જૂનું ગૌરવ પાછું મળે.
ASIના જણાવ્યા અનુસાર અહીં અઢી દિવસનો મેળો (ઉર્સ) યોજાય તેવી શક્યતા છે. આ કારણથી તેનું નામ ‘અઢાઈ દિન કી ઝૂંપડી’ રાખવામાં આવ્યું. હરવિલાસ શારદાના પુસ્તક (અજમેરઃ ઐતિહાસિક અને વર્ણનાત્મક)માં પણ તેનો ઉલ્લેખ છે.
આ પુસ્તકમાં હર બિલાસ સરદાએ 1911માં લખ્યું છે કે, ‘આ નામ 18મી સદીના છેલ્લા વર્ષોમાં આવ્યું હતું. જ્યારે ફકીરો તેમના ધર્મગુરુ પંજાબ શાહના મૃત્યુના અઢી દિવસના ઉર્સની ઉજવણી માટે અહીં ભેગા થવા લાગ્યા. શાહ પંજાબથી અજમેર આવ્યા હતા.
શારદાના જણાવ્યા અનુસાર, જૈન તહેવાર ‘પંચ કલ્યાણ મહોત્સવ’ની યાદમાં શેઠ વીરમદેવ કલાએ ઈ.સ. 660માં એક જૈન મંદિર બનાવ્યું હતું.
શારદાએ આગળ લખ્યું, ‘જૈન પુજારી વર્ગ માટે અજમેરમાં રહેવાની જગ્યા ન હોવાથી આ મંદિર બનાવવામાં આવ્યું હતું. જો કે, 1192માં મુહમ્મદ ઘોરીના નેતૃત્વમાં ગોરના અફઘાનો દ્વારા અહીંના બાંધકામોને બાદમાં નષ્ટ કરવામાં આવ્યા હતા અને આ માળખું મસ્જિદમાં ફેરવાઈ ગયું હતું.
બીજી તરફ ASI આ મસ્જિદ વિશે કહે છે કે તેનું નિર્માણ કુતુબુદ્દીન ઐબકે 1200 ADની આસપાસ શરૂ કર્યું હતું, જેમાં કોતરણીવાળા સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્તંભવાળો (પ્રાર્થના) ખંડ નવ અષ્ટકોણીય (8 કોણીય કમ્પાર્ટમેન્ટમાં વિભાજિત) છે અને મધ્ય કમાનની ઉપર બે નાના મિનારા ધરાવે છે.
કુફિક અને તુગરા શિલાલેખ સાથે કોતરવામાં આવેલી ત્રણ કેન્દ્રીય કમાનો તેને એક ભવ્ય સ્થાપત્ય આપે છે.
નોંધનીય છે કે આ પહેલા મે મહિનામાં રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ પણ આવી જ માંગ કરી હતી. દેવનાની અજમેર નોર્થ સીટથી ધારાસભ્ય છે. તેમણે કેટલાક જૈન સાધુઓના દાવાના આધારે આ સ્થળે ASI સર્વેની માંગણી કરી હતી.
તેમણે વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો સાથે આ સ્થળની મુલાકાત પણ લીધી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અહીં એક સમયે સંસ્કૃત પાઠશાળા અને મંદિર હતું.
નોંધનીય છે કે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સંભલમાં મુઘલ કાળની જામા મસ્જિદને લઈને પણ આવો જ હુમલો થયો હતો, જે બાદ એક વિવાદાસ્પદ સર્વે દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકોના ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ફરી એકવાર મંદિર-મસ્જિદ વિવાદે જોર પકડ્યું છે.