અમેરિકામાં ચીની નવા વર્ષની ઉજવણીમાં અંધાધૂંધ ગોળીબાર, અનેક લોકોના મોતની આશંકા

0
38

અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે રાત્રે સામૂહિક ગોળીબારની ઘટના બની છે. હાલ આ ઘટનામાં આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. સાથે જ અનેક લોકોના માર્યા જવાની પણ આશંકા છે. મળતી માહિતી મુજબ ફાયરિંગની આ ઘટના રાત્રે 10 વાગ્યા પછી બની હતી. લોસ એન્જલસ ટાઈમ્સ અનુસાર, મોન્ટેરી પાર્કમાં ચાઈનીઝ ન્યૂ યર સેલિબ્રેશનમાં ગોળીબાર થયો હતો. જ્યાં આ ઘટના બની તે દિવસ દરમિયાન હજારો લોકો ઉજવણી માટે એકઠા થયા હતા. આ પાર્ક લોસ એન્જલસ ડાઉનટાઉનથી લગભગ 11 કિમી દૂર છે. હાલમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો મળ્યો નથી.

શૂટર પાસે મશીનગન હતી
દરમિયાન, જ્યાં શૂટિંગ થયું હતું તે ગલીમાં રેસ્ટોરન્ટના માલિક સુંગ વોન ચોઈએ આ વિશે માહિતી આપી છે. ચોઈએ લોસ એન્જલસ ટાઈમ્સને જણાવ્યું કે ત્રણ માણસો દોડીને તેમની દુકાનમાં આવ્યા અને તેમને દરવાજો બંધ કરવાનું કહ્યું. તેઓએ ચોઈને એમ પણ કહ્યું કે ગોળી ચલાવનાર વ્યક્તિ પાસે મશીનગન હતી. તેણે કહ્યું કે આ ઘટના ડાન્સ ક્લબમાં બની હોય તેવું લાગી રહ્યું છે. તે જ સમયે, કેટલાક અન્ય સૂત્રોએ 16 લોકોને ગોળી માર્યા હોવાનું જણાવ્યું છે.

અઠવાડિયામાં બીજી વખત ફાયરિંગ
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગોળીબારની ઘણી ઘટનાઓ બની છે. ગત સોમવારે કેલિફોર્નિયા શહેરમાં જ એક ઘરમાં ફાયરિંગ થયું હતું. આ દરમિયાન માતા અને બાળક સહિત છ લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનાને ટાર્ગેટ કિલિંગ નામ આપ્યું હતું.