IPLની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના નામે છે. બંને ખેલાડીઓએ 7 વર્ષ પહેલા એટલે કે 2016માં આ દિવસે (14 મે) IPLની સૌથી મોટી ભાગીદારી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સે ગુજરાત લાયન્સ સામે તોફાની ઇનિંગ્સ રમીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
એબી અને વિરાટે IPL 2016માં ગુજરાત સામે બીજી વિકેટ માટે 229 રન જોડ્યા હતા. આ ભાગીદારીમાં બંનેના બેટમાંથી કુલ 20 સિક્સર નીકળી હતી. અને ભાગીદારીનો સ્ટ્રાઈક રેટ 236.08 હતો. કોહલી અને ડી વિલિયર્સે માત્ર 97 બોલમાં આ કારનામું કર્યું હતું.
કોહલી અને ડી વિલિયર્સ બંનેએ સદી ફટકારી હતી
મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 3.5 ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી દેતા ક્રિસ ગેલ 13 બોલમાં માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા એબી ડી વિલિયર્સની સાથે વિરાટ કોહલીએ અસાધારણ ઇનિંગ રમી હતી.
એબી ડી વિલિયર્સે 248.08ની ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 52 બોલમાં 129* રન બનાવ્યા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થાય છે. તે જ સમયે, વિરાટ કોહલીએ 55 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 109 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 198.18 હતો.
આઈપીએલ ઈતિહાસમાં બીજી સૌથી મોટી જીતનો રેકોર્ડ
પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ગુજરાત લાયન્સ 18.4 ઓવરમાં માત્ર 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે RCBનો 144 રનથી વિજય થયો હતો. આઈપીએલના ઈતિહાસમાં આ અત્યાર સુધીની બીજી સૌથી મોટી જીત છે. આ મેચ બેંગ્લોરમાં જ રમાઈ હતી.
IPLમાં સૌથી મોટી જીત નોંધાવવાના મામલે મુંબઈ ઈન્ડિયન્સ નંબર વન પર છે. 2017માં મુંબઈએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ 146 રનથી જીતી હતી.