રાજકીય ફંડિંગની તપાસમાં BNJD પક્ષ પર ઈન્કમ ટેક્સની છાપામારી, 957 કરોડની આવક પર ઉઠ્યા સવાલો
IT Raid in Gandhinagar: ગાંધીનગરમાં આજે વહેલી સવારથી Income Tax Department દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માહિતી મુજબ, ભારતીય નેશનલ જનતા દળ (BNJD) પાર્ટીના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના નિવાસસ્થાન અને ઓફિસ સહિત ત્રણ જગ્યાએ IT Raid કરવામાં આવી છે. આ કાર્યવાહી રાજકીય ફંડિંગ અને પક્ષની આવકના સ્ત્રોત અંગેની તપાસ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. Association for Democratic Reforms (ADR)ના અહેવાલ પ્રમાણે, BNJD પક્ષે માત્ર થોડા વર્ષોમાં જ આશરે ₹957 કરોડની આવક દર્શાવી છે, જે દેશની ટોચની કમાણી કરતી પાર્ટીઓમાંનું એક સ્થાન ધરાવે છે. આ વિશાળ આવકને લઈને હવે Income Tax વિભાગે તપાસની દિશા તેજ કરી છે.
IT ટીમે સંજય ગજેરાના નિવાસસ્થાને પહોંચીને તપાસ શરૂ કરી
સૂત્રો જણાવે છે કે ગાંધીનગરના સેક્ટર-26ના કિસાન નગર વિસ્તારમાં આવેલ સંજય ગજેરાના નિવાસસ્થાને વહેલી સવારે ઈન્કમ ટેક્સ અધિકારીઓની ટીમ પહોંચી હતી. ત્યાંથી જ તેમની ઓફિસ અને અન્ય સ્થળોએ પણ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. IT અધિકારીઓએ ઘરની અંદરથી અનેક દસ્તાવેજો, સંપત્તિ સંબંધિત પુરાવાઓ અને બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો તપાસ હેઠળ લીધી છે.

રાજકીય પક્ષોની અતિઆવક પર ઉઠ્યા સવાલો
ગુજરાતમાં રજિસ્ટર્ડ પરંતુ માન્યતા પ્રાપ્ત ન થયેલા રાજકીય પક્ષો (Registered Unrecognized Political Parties)ની આવકને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. આપેલા આંકડાઓ અનુસાર, દેશમાં સૌથી વધારે કમાણી કરનારા 10 અમાન્ય રાજકીય પક્ષોમાંથી 5 પક્ષો ગુજરાતમાં રજિસ્ટર્ડ છે. તેમાં પણ BNJD સૌથી આગળ છે. ADRના રિપોર્ટ મુજબ, વર્ષ 2019-20થી 2023-24 દરમિયાન ગુજરાતના આ 5 પક્ષોએ મળીને આશરે ₹2316 કરોડની આવક દર્શાવી છે, જેમાં માત્ર એક વર્ષમાં ₹1158 કરોડની આવક નોંધાઈ હતી. આથી હવે આ આવકના સ્ત્રોત અને તેના ઉપયોગ અંગે તપાસના તીર BNJD તરફ વળ્યા છે.

રાજકીય ફંડિંગના સ્ત્રોતની તપાસ શરૂ
માહિતી મુજબ, IT વિભાગ પક્ષને મળેલા ફંડિંગ સોર્સ, દાતાઓની યાદી અને બેંક ખાતાની હિલચાલની વિગતવાર તપાસ કરી રહ્યું છે. કેટલાક દસ્તાવેજો કમ્પ્યુટર અને મોબાઈલ ડેટા સહિત ડિજિટલ સ્વરૂપે પણ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તપાસનો હેતુ માત્ર કાયદેસર આવક અને ફંડિંગના સ્ત્રોતની ખાતરી કરવો છે.

