છેલ્લા કેટલાય મહિનાઓથી રાજકારણમાં પ્રવેશ અંગે સમાચારોમાં રહેતા ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ, કોંગ્રેસથી નારાજ એવા હાર્દિક પટેલ, અને તેના પૂર્વસાથી પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરીયાએ ગઈકાલે રાજકોટ ખાતે બેઠક કરીને ગુજરાતનું રાજકારણ ગરમાવ્યું છે.
આગામી છ મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે, ત્યારે રાજ્યમાં રાજકારણ પુરજોશમાં ચાલી રહ્યું છે, સત્તાધારી ભાજપ પોતાની સત્તા અવિરત રાખવા માટે મેદાને ઉતરી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી અનેક અડચણો વચ્ચે પોતાને ટકાવી રાખવા મહેનત કરી રહી છે, અને નવી આવતી આમ આદમી પાર્ટી જનતા સમક્ષ એક નવા વિકલ્પ તરીકે ઉભરવા થનગની રહી છે.
આ તમામ તૈયારીઓની વચ્ચે દરેક પાર્ટીઓના નેતાઓ પોતપોતાની મહત્વકાંક્ષાઓ સેવી રહ્યાં છે, જેમાં સૌથી વધારે ચર્ચાઓમાં રહેતા નરેશ પટેલ અને હાર્દિક પટેલ છે, જેમણે ગઈકાલે રાજકોટ ખાતે બેઠક કરીને ગુજરાતનું રાજકારણ વધુ ઘેરું બનાવ્યું છે.
પાટીદાર આંદોલનથી ઉભરેલા હાર્દિક પટેલ વર્ષ 2017 ની ચુંટણીમાં કોંગ્રેસ તરફી માહોલ બનાવવા માટે રાજ્યભરમાં લોકોને અપીલ કરેલી, જે બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા, હવે જ્યારે 2022 ની ચુંટણી નજીક આવી છે ત્યારે હાર્દિક પટેલનું કોંગ્રેસથી મન ભરાઈ ગયું હોય તેમ એક પછી એક કોંગ્રેસ પર નિશાના સાધી રહ્યાં છે… ત્યાં સુધી કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ તો ઠીક પણ કોંગ્રેસના હાઈકમાનને પણ નથી છોડ્યા… ત્યારે અટકળોનું બજાર ગરમ છે… કે હવે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળશે કે કેમ.
છેલ્લા ત્રણ દિવસથી રાજસ્થાનમાં કોંગ્રેસની શિબિરનું આયોજન શરૂ હતું, દેશના તમામ મોટા નેતાઓ ત્યાં હજાર હતા, પણ હાર્દિક પટેલે જવાનું ટાળેલું અને શિબિરને બદલે મળવા પહોંચ્યા નરેશ પટેલને.
હવે નરેશ પટેલને રાજકારણમાં આવવું છે, છેલ્લા કેટલાય મહિનાઓથી દરેક પાર્ટીના નેતાઓને મળી રહ્યા છે, અલગ અલગ સંગઠન, સામાજિક આગેવાનો સાથે બેઠકો કરી રહ્યાં છે… જવું છે કોંગ્રેસમાં પણ પોતાની શરતો મનાઈ નથી રહી, મુખ્યમંત્રી બનવું છે પણ કોંગ્રેસ પાસે કોઈ રોડમેપ નથી જેનાથી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય… એટલે હવે નરેશ પટેલની અટકળો ભાજપ તરફી થવા લાગી છે.
બીજી બાજુ પાટીદાર આંદોલનના નેતા અલ્પેશ કથીરીયા પણ રાજકારણમાં આવે છે, ચુંટણી લડવી છે… શરૂઆત છે… તો સારી જગ્યાએથી જ કરવી પડે… તો જ પોતાની મહત્વાકાંક્ષા પૂરી થાય… અને એટલે તે પણ નરેશ પટેલ અને હાર્દિક પટેલના ભરોસે હોય તેવું લાગે છે.
આ તમામ બાબતોને લઈને ગઈકાલે રાજકોટ ખાતે બેઠક થયેલી… હાર્દિક પટેલ તો કોંગ્રેસમાં જ છે, છોડવી છે કે કેમ તે હજી સ્પષ્ટ નથી.. માની શકાય ત્યાં સુધી તે કોંગ્રેસ છોડી દેશે… જ્યારે નરેશ પટેલની માંગો કોંગ્રેસમાં પૂરી નથી થતી… અને અલ્પેશ કથીરિયાને એન્ટ્રી કરવી છે તો સારી જગ્યાએથી જ કરે.
આ તમામ બાબતો આમ જોઈએ તો કોંગ્રેસ તરફ જાય છે… પણ કોંગ્રેસ આ બધાને સાચવે તો તેના મૂળ નેતાઓ ભડકીને કોંગ્રેસને જ હરાવી બેસે તેવી સ્થિતિમાં મુકાઇ જાય…
આ મહિનાના અંતે 27, 28 તારીખે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પાટીદાર સમાજની હોસ્પિટલની ઉદઘાટન છે, જેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે… નરેશ પટેલ અત્યાર સુધી રાજકારણમાં એન્ટ્રીને લઈને એક પછી એક તારીખો આપી દીધી છે… ગઈ કાલે નવી તારીખ આપીને 8 થી 10 દિવસ લંબાવી દીધું છે… સમય હવે પાકી ગયો છે… માટે બની શકે કે આટકોટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કર્યા બાદ કોંગ્રેસને થપ્પો આપીને સીધા જ ભાજપમાં ભળી જાય… અને સાથે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયા બે પણ લેતા જાય…
રાજકારણ છે… રાજકારણીઓ છે… જનતા પહેલા સૌ પોતાનું વિચારે… પોતાની મહત્વાકાંક્ષા ક્યાં પૂરી થાય છે તે આ રાજકારણીઓ સારી રીતે જાણતા હોય…