સુરતના ભૈરવ મંદિરમાં મહાયજ્ઞનું આયોજન
Kalabhairav Jayanti 2025: હિન્દુ ધર્મમાં કાલભૈરવ જયંતિ એ અત્યંત પવિત્ર અને શક્તિદાયી દિવસ માનવામાં આવે છે. ખાસ કરીને શનિની પનોતી અથવા શનિદોષથી પીડિત લોકો માટે, આ દિવસ જીવનમાં રાહત અને શાંતિ લાવનાર માનવામાં આવે છે. માન્યતા અનુસાર, આ દિવસે કાલભૈરવની ભક્તિપૂર્વક આરાધના કરવાથી બધા દુષ્ટ ગ્રહો શાંત થાય છે અને જીવનના કષ્ટો દૂર થાય છે. આ વર્ષે 12 નવેમ્બર 2025ના રોજ ઉજવાતી કાલભૈરવ જયંતિએ સુરતના પાલ ઉમરા વિસ્તારમાં આવેલ ઓમ શ્રી ક્ષેત્રપાલ ભૈરવ મંદિરને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવી દીધું છે. સવારથી જ અહીં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. મંદિર પ્રાંગણમાં વિશેષ પૂજન, આરતી, મહાયજ્ઞ અને ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાયા છે.
શિવ પુરાણ મુજબ, કાલભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે, જે બ્રહ્માંડના સર્જન, સંચાલન અને સંહારનું પ્રતીક છે. “ભૈરવ” શબ્દ ત્રણ અક્ષરોમાંથી બનેલો છે – ભૈ (સર્જન), ર (પાલન), અને વ (વિનાશ). કહેવાય છે કે તેઓ ભગવાન શિવના જમણા નેત્રમાંથી પ્રગટ થયા હતા. કાલભૈરવને અસાધ્ય રોગો, માનસિક ચિંતા અને ભય દૂર કરનાર દેવતા તરીકે પૂજવામાં આવે છે.

બ્રહ્મવૈવર્ત પુરાણ અને નારદ પુરાણ મુજબ, કાલભૈરવની પૂજામાં કાળા કપડાં, અડદના વડા, ખાંડગ્રાસ, લવિંગ અને તજ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સુરતના પાલ ઉમરા વિસ્તારમાં સ્થિત આ મંદિરમાં 51 ઇંચની શાંત સ્વરૂપ કાલભૈરવ મૂર્તિ સ્થાપિત છે, જેની સ્થાપના આશરે 4-5 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. વિશેષ વાત એ છે કે આ મૂર્તિ ચમત્કારિક રીતે સ્વયંભૂરૂપે મેળ ખાતી મૂર્તિ તરીકે જાણીતી છે.
રમેશગીરી બાપુએ જયપુરના એક કારીગરને મૂર્તિ બનાવવા કહ્યું હતું. પરંતુ કારીગર પાસે પહેલેથી જ બરાબર 51 ઇંચની તૈયાર મૂર્તિ હતી, જે બાપુના ફોટા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી હતી. આ અદભુત ઘટનાને ભગવાન કાલભૈરવની કૃપા માનીને, મૂર્તિને સુરત લાવી અહીં સ્થાપિત કરવામાં આવી હતી. રમેશગીરી બાપુ કહે છે, “કાલભૈરવ આપણા રક્ષક છે. તેઓ સમય અને સંજોગોનું પરિવર્તન લાવે છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક તેમની પૂજા કરે છે, તેનું દુઃખ હરણ થઈ જાય છે.”

આજે જયંતિના અવસરે મંદિરમાં 51,000 આહુતિઓનો મહાયજ્ઞ અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દુર-દુરથી ભક્તો અહીં આવીને ભગવાન કાલભૈરવના દર્શન કરી રહ્યાં છે અને પોતાની મનોકામનાઓ પૂરી થવાની આશા વ્યક્ત કરી રહ્યાં છે. આ મંદિર હવે માત્ર ધાર્મિક આસ્થા નહીં, પણ ભક્તિ, ચમત્કાર અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક બની ગયું છે.

