હવે વારો છે સુરત કોંગ્રેસના હોદ્દેદારોનો, બાબુ રાયકા માટે મોટી મોકાણ છે છાપેલા કાટલાઓને દુર કરવાની

સુરત શહેર કોંગ્રેસમાં હોદ્દો મેળવવા માટે લાંબી લાઈન લાગેલી છે. અમિત ચાવડાએ સુરત શહેર કોંગ્રેસની કમાન વરિષ્ઠ કોંગ્રેસી નેતા બાબુ રાયકાને સોંપ્યા બાદ રાયકા માટે સૌથી મોટી મોકાણ વર્ષોથી સુરત શહેર કોંગ્રેસમાં પેંઘા પડેલા અને શોભાના ગાંઠીયા જેવા નેતાઓના બદલે નવા ચહેરાઓને સ્થાન આપવાની છે.

હાલ સુરત શહેર  કમિટીની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષોથી જૂથવાદનો અખાડો બનેલી સુરત કોંગ્રેસને વધુ બહેતર કરવા માટે બાબુ રાયકાના માથે મોટી જવાબદારી છે. કોંગ્રેસની ચાદી તો મોટી હોય છે પણ હોદ્દેદારો સુદ્વાં કોંગ્રેસના કાર્યક્રમોમાં હાજર રહેતા નથી. વારેઘડીએ એકનાં એક જ ચહેરાઓ વારાફરતી કોંગ્રેસમાં જોવા મળે છે.

વર્તમાન પ્રમુખ બાબુ રાયકા નિવડેલ રાજકારણી છે. તેઓ દરેકની નસ જાણે છે અને આવનાર દિવસોમાં કોંગ્રેસમાં સાફસૂફી કરવા અંગે પણ તેઓ ખાસ્સા સજાગ રહેલા છે. સુરત કોંગ્રેસમાં હાલ શું ચાલી રહ્યું છે, સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો શું કરી રહ્યા તે અંગે તેઓ માહિતગાર રહે છે. ખાટલે મોટી ખોડ એ છે કે કોંગ્રેસના સંગઠન અને કોર્પોરેટરો વચ્ચે ભૂતકાળમાં કોઈ સંકલન હતું નહીં. બાબુભાઈ માટે આ એક મોટો પડકાર છે કે કોર્પોરેટરો અને સંગઠન વચ્ચે એકાત્મકતા લાવે. બીજું એ છે કે હોદ્દો મેળવવા માટે લાગેલી લાંબી લચક લાઈનમાં જૂથવાદને કોરાણે મૂકી છાપેલા કાટલા અને બ્લેક મેઈલ કરનારા લોકોને કોંગ્રેસના હોદ્દાઓથી દુર રાખવામાં આવે. પાછલા કેટલાક સમયથી કોંગ્રેસના કેટલાય કોર્પોરેટરો વિરુદ્વ પ્રદેશમાં અનેક ફરીયાદો કરવામાં આવી છે. આ ફરીયાદો બહુ જ ગંભીપ પ્રકારની રહેલી છે.

સુરત કોંગ્રેસમાં હોદ્દો મેળવવાની હોડમાં અનેક નામો ચાલી રહ્યા છે. હાલ સુરતમાં કદીર પીરઝાદા, જવાહર ઉપાધ્યાય અને કામરાન ઉસ્માની જેવા નેતાઓ સામ સામે ચાલી રહ્યા છે તેવામાં કાર્યકરો અને આગેવાનો વચ્ચે ખટરાગના બદલે સમધાનના પ્રયાસો કેટલા કારગત નિવડે છે તે તો સમય જ કહેશે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com