Daman-Diu : સમગ્ર દેશની સાથે સાથે સંઘ પ્રદેશ દાદરા,નગર હવેલી તેમજ દમણ-દીવમાં પણ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, અને બધા ઉમેદવારો પોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે દાદરા નગર હવેલીમાં તો ભાજપા 3d પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે ભાજપા માટે સીટ નિશ્ચિત કરી લીધી છે કલાબેન ડેલકરને ભાજપામાં જોડાવીને પણ દમણ-દીવની સીટ નિશ્ચિત કરી શક્યા નથી.
સત્યડેના 7 જાન્યુઆરીના અંકમાં લખેલ કે ભાજપે ઉમેદવાર ઘોષિત કરવામાં વિલંબ ના કરવો જોઈએ જેથી ઉમેદવારને પોતાના પ્રચાર માટે સમય મળી રહે અને આ વખતે ભાજપાએ પ્રથમ યાદીમાં જ દમણ-દીવ ઉમેદવાર ઘોષિત કરી દીધા. આ વખતે દમણ-દીવ વાસીઓનો મિજાજ બદલાયેલો જોવા મળે છે ત્રણ ટર્મથી દમણ-દીવ લોકસભા સીટ પર બિરાજેલ લાલુભાઇ પટેલ પ્રચાર પ્રસારમાં કોઈ કમી નથી રાખી રહ્યા દરેક પંચાયતોમાં જઈ જનસંપર્ક કરી રહ્યા છે, સાથે સાથે પ્રદેશ સચિવ જીગ્નેશ પટેલ પણ ભાજપા ને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, તેમ છતાં દમણ-દિવમાં એકલવીર ઉમેશ પટેલ હાલ દમણ-દીવ વાસીઓની પ્રથમ પસંદ લાગી રહ્યા છે, દમણ-દીવ વાસીઓનું માનવું છે કે ઉમેશ પટેલ સફળતા મળે કે ના મળે પણ પ્રદેશ હિતમાં અવાજ તો ઉઠાવે છે લડત તો આપે છે, અને વીજળી બિલમાં ધરખમ ફેરફારથી પ્રદેશ વાસીઓને થયેલ ફાયદો ઉમેશ પટેલ માટે જમા પાસું છે જે વિરોધી પણ નકારી નહીં શકે જેના લીધે ઉમેશ પટેલને દમણ-દીવ વાસીઓ સાંસદ તરીકે ચૂંટીને દિલ્હી મોકલે તો નવાઈ નહીં.
હાલ દમણ-દીવ લોકસભા ચૂંટણીનો જંગ સીધે સીધો લાલુભાઇ પટેલ અને ઉમેશ પટેલ વચ્ચે જ લાગી રહ્યો છે.
દમણ-દીવમાં મતદાનની તારીખ છેક મે મહિનામાં આપી છે એટલે ઉમેદવારો પાસે પોતાનો પ્રચાર કરવા ભરપૂર સમય છે અને મતદાતાઓ પાસે પણ યોગ્ય ઉમેદવારની પસંદગી માટે સમયની ખોટ નથી.
દમણ-દીવના મતદાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “400 પાર” ના આહવાનને માન આપી ભાજપાને જ યથાવત રાખશે કે પછી દમણ-દીવમાં 15 વર્ષ પછી પરિવર્તન જોવા મળશે એ તો જૂન મહિનાની 4 તારીખે જ ખબર પડશે હાલની પરિસ્થિતિ જોતા તો દમણ-દીવમાં 2009માં થયેલ એ મુજબનું પરિવર્તન થાશે એવું લાગી રહ્યું છે જો એવું થાય તો ફર્ક એટલો જ રહેશે કે ત્યારે બે ટર્મથી ચૂંટાતા સાંસદ સ્વર્ગીય ડાહ્યાભાઈ પટેલ હતા, અને આ વખતે તેમને હરાવનાર ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા સાંસદ લાલુભાઈ પટેલ છે, દમણ-દીવમાં પહેલાથી જ માછી સમાજનું વર્ચસ્વ રહ્યું છે ડાયાભાઈ પટેલ પ્રથમ પટેલ સમાજથી સાંસદ ચૂંટાઈ આવ્યા ત્યારથી અત્યાર સુધી પટેલ સમાજનું વર્ચસ્વ રહ્યું છે, પણ મતના આધારે જોઈએ તો દમણ-દીવમાં કુલ માછીમારોના મત 39000 ના આસપાસ છે અને પટેલ મતદાતા 18000 ના આસપાસ છે જે આદિવાસી મતદાતા કરતા ઓછા છે.
છેલ્લા 25 વર્ષથી પટેલ દમણ-દીવનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે આ વખતે માછીમારોને ભાજપા પાસેથી માછીમાર ને પ્રતિનિધિત્વ અપાય એવી અપેક્ષા હતી પણ એમની આશા પર પાણી ફરી વળતા માછીમારોમાં હતાશા પ્રસરેલી જોવા મળી રહી છે, જન સંખ્યા ગણનામાં કદાચ ત્રુટી જોવા મળી રહી છે જેમણે માછી સમાજમાં ટંડેલ,મીટના,માંગેલા, ખારવા અને કોળીમાછી એમ અલગ અલગ દર્શાવી માછી સમાજમાં વિભાજન કરેલ છે જેના લીધે માછી સમાજ નાનો સમાજ દેખાઈ રહ્યો છે પણ આ બધા જ એટલે કે ટંડેલ,મીટના,માંગેલા,ખારવા અને દીવના કોળી માંછી એ માછી સમાજ જ છે અને આ જ સમાજ છે જેમણે એક તરફી મતદાન કરી 2009 માં ભાજપને જવલંત વિજય અપાવ્યો હતો.