પ્રેમી પરિણીત હોવાનું જાણવા મળતાં યુવતીએ સંબંધ તોડ્યો, પછી મળી ધમકીઓ
Married lover blackmail case Ahmedabad: અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પરિણીત પ્રેમી દ્વારા યુવતી સાથે છેતરપિંડી અને દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. યુવક પ્રેમિકા સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો અને ધમકીઓ આપતો હતો. અંતે કંટાળેલી યુવતીએ મહિલા અભયમની મદદ માગી હતી, જેના પગલે ટીમે બંને પક્ષો વચ્ચે કાઉન્સેલિંગ કરીને મામલો સમાધાન સુધી પહોંચાડ્યો હતો.
માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતીની ઓળખ ઈન્સ્ટાગ્રામ મારફતે એક યુવક સાથે થઈ હતી. છેલ્લા પાંચ મહિનામાં બંને વચ્ચે સતત વાતચીત થતી હતી, જેના પરિણામે તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. બંને વારંવાર મળવા લાગ્યા અને એકબીજા સાથે સમય પસાર કરતા હતા.

એક દિવસ યુવક પ્રેમિકાને શહેરની હોટલમાં લઈ ગયો, જ્યાં તેણે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. યુવતી ભયભીત થઈને ત્યાંથી નીકળી ગઈ, પરંતુ આ દરમિયાન યુવકે ગુપ્ત રીતે તેના ફોટા પોતાના ફોનમાં કેદ કર્યા હતા. બાદમાં યુવતીને ખબર પડી કે તે યુવક પરિણીત છે અને તેના લગ્નને આઠ મહિના જ થયા છે. આ જાણ થતાં યુવતીએ તેના સાથે સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો.
જોકે યુવક અટકવા તૈયાર નહોતો. તેણે યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને કહ્યું કે જો તું મારી સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો હું ફિનાઇલ પી ને અથવા ગોળી ખાઈને આત્મહત્યા કરી લઈશ. સતત આ પ્રકારની ધમકીઓ મળતાં યુવતી માનસિક રીતે પરેશાન થઈ ગઈ હતી.

ત્યાં પછી યુવતીએ Mahila Abhayam હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. અભયમ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતાં યુવતી, યુવક અને તેની પત્નીને બોલાવી કાઉન્સેલિંગ કર્યું. ટીમે યુવતીને કાયદાકીય સુરક્ષા અને માર્ગદર્શન આપ્યું તથા યુવકના મોબાઈલમાંથી યુવતીના તમામ ફોટા ડિલીટ કરાવ્યા. અંતે મહિલા અભયમની મદદથી સુખદ સમાધાન થયું અને યુવકે લખિતમાં વચન આપ્યું કે તે ફરી યુવતીને હેરાન કરશે નહીં.
