ખરાબ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવીની યાત્રા અટકાવાઈ, કટરા પાસે ભૂસ્ખલન થયું
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કટરાના અર્ધકુંવારીમાં ભૂસ્ખલન (Landslide) થયું છે, જેના કારણે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણો દેવીની યાત્રા અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે.
સોમવાર મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદ બાદ, શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે તાત્કાલિક પગલાં ભરતા યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો. સૌથી પહેલા, હિમકોટી રૂટ બંધ કરવામાં આવ્યો, પરંતુ હવામાનમાં સુધારો ન થતા આખી યાત્રા રોકી દેવામાં આવી.
શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, “શ્રદ્ધાળુઓની સુરક્ષા અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે. હવામાન સામાન્ય થતાં જ યાત્રા ફરીથી શરૂ કરી દેવામાં આવશે.” વહીવટીતંત્રે લોકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને માત્ર શ્રાઈન બોર્ડના સત્તાવાર અપડેટ પર જ વિશ્વાસ કરવા અપીલ કરી છે.

આ વિસ્તારોમાં પૂરનો ખતરો
ભારે વરસાદને કારણે રાવી નદી પર બનેલા રણજીત સાગર ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેનાથી જળસ્તર વધી ગયું છે. ડોડા, જમ્મુ, કઠુઆ, કિશ્તવાડ, સાંબા અને ઉધમપુર જેવા જિલ્લાઓમાં મંગળવાર સવાર સુધી મધ્યમથી ભારે પૂરનો ખતરો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્રે લોકોને સંવેદનશીલ વિસ્તારોમાં જવાનું ટાળવા અને સાવચેત રહેવાની સલાહ આપી છે. કોઈ પણ કટોકટીની સ્થિતિમાં 112 ડાયલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે જમ્મુ વિસ્તાર માટે મંગળવાર (26 ઓગસ્ટ) માટે રેડ વોર્નિંગ જાહેર કરી છે, જેમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સોમવાર સવારથી બપોર સુધીમાં જમ્મુમાં 93 મિમી, સાંબામાં 136 મિમી, અને કઠુઆના બુરમલમાં 97.5 મિમી વરસાદ નોંધાયો છે.

નદીઓ ભયજનક સપાટી પર
જમ્મુ-કાશ્મીરની ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ચિનાબ નદીનું જળસ્તર પણ ઝડપથી વધ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી ગઈ છે. વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એસડીઆરએફ (SDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે.

