મોહમ્મદ સિરાજને ICC ODI રેન્કિંગમાં નંબર-1 બોલરનો તાજ મળ્યો

0
43

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની છેલ્લી મેચ મંગળવારે રમાઈ હતી, જે ભારતે 90 રને જીતીને ઘરઆંગણે વનડે શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. પ્રથમ બે મેચની શ્રેણી જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી બંનેને આરામ કરવાની તક આપી હતી. સિરાજે મંગળવારે જ ICC મેન્સ ઓડીઆઈ ટીમ ઓફ ધ યર 2022 માં સ્થાન મેળવ્યું હતું અને તેના એક દિવસ પછી તે નવીનતમ ICC પુરુષોની ODI બોલર્સ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે.

સિરાજે ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ અને ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ડને પાછળ છોડી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. સિરાજે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ બે મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝ દરમિયાન સિરાજે બે મેચમાં 11.20ની એવરેજથી કુલ પાંચ વિકેટ લીધી હતી. સિરાજે છેલ્લા એક વર્ષમાં ODI ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. ન્યુઝીલેન્ડ પહેલા ભારતે શ્રીલંકા સામે ત્રણ મેચની હોમ વનડે શ્રેણી રમી હતી, તે ત્રણ મેચની શ્રેણીમાં સિરાજનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું.

સિરાજે શ્રીલંકા વિરૂદ્ધ કુલ 9 વિકેટ લીધી અને શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. આ સાથે જ ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીને પણ 11 સ્થાનનો ફાયદો થયો છે. બાબર આઝમ ICC મેન્સ ઓડીઆઈ બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે, વિરાટ કોહલીએ એક સ્થાન ગુમાવ્યું છે અને તે સાતમા સ્થાને સરકી ગયો છે. શુભમન ગિલ બે સ્થાનનો ફાયદો ઉઠાવીને છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. આ સાથે જ રોહિત શર્માને પણ બે સ્થાનનો ફાયદો થયો છે અને તે રેન્કિંગમાં 9મા નંબર પર પહોંચી ગયો છે.