રાજ્યના સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે ચકલાસી પોલીસ મથકની હદમાં દરોડો પાડી માતા-પુત્રની જોડીને દારૂ વેચતા રંગે હાથે પકડી લીધા છે. પોલીસે અડધા લાખ ઉપરાંતનો દારૂ તેમજ વિદેશી દારૂના વેચાણના રોકડા રૂા. અને મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૮૨, ૬૮૫નો મુદ્દામાલ કબ્જે કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે ગતરોજ ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચલાલી ગામના શક્તિનગર ખાતે રહેતી મહિલા બુટલેગર લ-મીબેન શામંતભાઈ તળપદાના ઘરે દરોડો પાડતા તેઓ પુત્ર મહેશ સાથે ઘરના પતરાંના અડારાની અંદર વિદેશી દારૂનું વેચાણ કરતા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની બોટલો તેમજ ઘરના અંદર છૂટી ઈંટની દીવાલમાં છૂપાવેલી વિદેશી દારૂની બોટલો મળી કુલ ૨૨૨ નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂા. ૫૫,૬૪૫ થવા જાય છે. પોલીસે વિદેશી દારૂના વેચાણના રોકડા રૂા. ૨૨,૦૪૦, મોબાઈલ ફોન સહિત કુલ રૂા. ૮૨,૬૮૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં પોલીસે પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો વિક્રમ નામના વ્યક્તિ પૂરો પાડતો હોવાની હકિકત સામે આવી છે. લ-મીબેન તળપદાએ પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતુ કે પોતે અભણ છે અને ગત બે વર્ષ પહેલાં વિક્રમ નામના વ્યક્તિની મુલાકાત નડિયાદ કોર્ટમાં થઈ હતી ત્યારથી આ દારૂનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ૩ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલે આ અગાઉ પખવાડિયા પહેલાં જ ચકલાસી પોલીસ મથકની હદમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને આ બનાવ બાદ પણ ચકલાસી પોલીસની કામગીરી સામે શંકાની સોય ચિંધાઈ છે.